ડોમિનિકા : પંજાબ નેશનલ બેન્કના 13,500 કરોડના કૌભાંડમાં વોન્ટેડ હિરા વેપારી મેહુલ ચોકસી કેરેબિયન વિસ્તારમાં આવેલા ડોમિનિકા નામના બેટ પરથી પકડાઈ ગયો છે. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી લીધી હોવાના અહેવાલ બાદ હવે તેને એન્ટિગા લાવવાના પ્રયાસો શરૂ થયા છે.
ડોમિનિકા પણ કેરેબિયન દરિયામાં આવેલો નાનકડો બેટ છે. છેલ્લા કેટલાક દિવસથી મેહુલ ચોકસી એન્ટિગા અને બર્બુડા બેટ પરથી ગુમ થઈ ગયો હતો. જે પછી એન્ટિગાની પોલીસ અને સરકારે તેને શોધવા માટે ઈન્ટરપોલની મદદ લીધી હતી.
ઈન્ટરપોલે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી માટે યલો કોર્નર નોટિસ જારી કરી હતી. જેના પગલે આખરે તે પકડાઈ ગયો હતો. મેહુલ ચોક્સી ભારતમાંથી ભાગીને છેલ્લા ઘણા સમયથી એન્ટિગામાં રહેતો હતો.
એન્ટીગુઆના PMએ કહ્યુ- સીધા ભારતને સોંપવામાં આવે
બીજી બાજુ એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે અમે ડોમિનિકા સરકારને તેને (મેહુલ ચોક્સી) અટકાયતમાં લેવા કહ્યું છે. તે ગેરકાયદેસર રીતે તે દેશમાં દાખલ થયા છે. ચોક્સીને સીધા જ ભારતને સોપવામાં આવવા જોઈએ.