ઉત્તર પ્રદેશા અલીગઢમાં ઝેરી, બગડી ગયેલો દારૂ પીવાના કારણે 7 લોકોના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ મૃતકોમાં અલીગઢ એચપી ગેસ પ્લાન્ટના ટ્રક ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. તે સિવાય લોધા ક્ષેત્રના કરસુઆ, નિમાના, હૈવતપુર, અંડલા ગામના ગ્રામીણોના પણ મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો ગંભીર સ્થિતિમાં છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે એક્શનમાં આવી ગયા છે. તેમણે અલીગઢના અધિકારીઓ સાથે વાત કરીને પીડિતોની મદદ કરવા નિર્દેશ આપ્યો છે અને આરોપીઓ પર એનએસએ લગાવવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે જ જો કોઈ સરકારી દુકાનેથી દારૂ ખરીદવામાં આવ્યો હોય તો તેને સીઝ કરવા અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા પણ કહ્યું છે.
આ બધા વચ્ચે અલીગઢના ગામડાઓમાં ઝેરી દારૂના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં રોષ પણ પ્રવર્ત્યો છે. અલીગઢના જિલ્લાધિકારી ચંદ્ર ભૂષણ સિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને કેસની તપાસ ચાલી રહી છે, બાદમાં તપાસના પરિણામના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના
અલીગઢના લોધા થાણા ક્ષેત્રમાં આવેલા કરસુઆ ગામમાં ઝેરી શરાબ પીવાના કારણે 7 લોકોના મોત થયા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે મૃતકોએ ગામના ઠેકાએથી જ દારૂ ખરીદ્યો હતો. ગ્રામીણોની ફરિયાદ બાદ પ્રશાસન અને પોલીસ અધિકારીઓની મદદથી દેશી દારૂના ઠેકાને સીલ કરવામાં આવ્યો છે અને દારૂના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. દુકાનમાં નકલી દારૂ વેચવામાં આવી રહ્યો હતો, મૃત્યુ કેવી રીતે થયા વગેરે તપાસ બાદ ખબર પડશે.