લગભગ આઠ માસ જેટલા સમયગાળા બાદ 28 મે શુક્રવારના દિવસે GST Councilની બેઠક આજે મળી રહી છે. અ બેઠકમાં દવાઓ, વેક્સીન અને તબીબી સાધનો પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.આ વર્ષે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં કાઉન્સિલની આ પ્રથમ બેઠક હશે.
રાજ્યોને 2.69 લાખ કરોડ આપવાની ચર્ચા
ટેક્સના દરો પર ચર્ચા ઉપરાંત GST Council માં રાજ્યોને આપવાની થતી અંદાજે 2.69 લાખ કરોડ રૂપિયાની રકમ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 2017 માં જીએસટી ના અમલીકરણ વખતે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વેટ અને અન્ય કર વસૂલવાનો પોતાનો અધિકાર છોડી દેવાની ખાતરી આપીને તેમની આવકની ખોટ ભરપાઈ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.
ફિટમેન્ટ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો
સૂત્રોએ જણાવ્યું હતું કે GST દર અંગેની ફિટમેન્ટ કમિટીએ કોવિડ રસીઓ, દવાઓ અને અન્ય તબીબી સાધનો પરનો જીએસટી ટેક્સ દુર કરવાના લાભ-ગેરલાભ અંગે કાઉન્સિલને એક રિપોર્ટ આપ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર અને રાજ્યોના કર વિભાગના અધિકારીઓ શામેલ છે.
નાણાપ્રધાને કર મુક્તિની માગને ફગાવી દીધી હતી
GST Council માં જીએસટી દરો ઘટવાની આશા રાખવામાં આવી રહી છે, પણ નાણાપ્રધાન નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) આ મહિનાની શરૂઆતમાં જ કોરોના રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરને જીએસટી માંથી મુક્તિ આપવાની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવી છૂટથી જીવન બચાવવાની સામગ્રી ગ્રાહકો માટે મોંઘી થશે. આ વસ્તુઓ મોંઘી એટલા માટે બનશે કારણ કે તેના ઉત્પાદકોને કાચા માલ પર ચૂકવેલ કરનો લાભ નહીં મળે.
હાલમાં વેક્સીન પર કેટલો GST દર છે ?
હાલમાં, કોરોના રસીના સ્થાનિક પુરવઠો અને વ્યાવસાયિક ધોરણે આયાત પર 5 ટકાના દરે જીએસટી કરવામાં આવે છે, જ્યારે કોવિડ દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર 12 ટકા જીએસટી લાગુ પડે છે.GST Council માં આ દરો ઘટવાની આશા રાખવામાં આવી રહી છે. રાજ્યોના મહેસૂલ વળતરની વાત કરીએ તો કેન્દ્રએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ.2.69 લાખ કરોડના ઘટાડાનો અંદાજ લગાવ્યો છે. લક્ઝરી સેવાઓ અને તમાકુ પેદાશો પર લાગુ સેસથી કેન્દ્રને રૂ. 1.11 લાખ કરોડ મળવાની ધારણા છે, જ્યારે બાકીના 1.58 લાખ કરોડ રૂપિયા ઉધાર લઈને ઉભા કરવા પડશે.