મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ કમલનાથ સતત વિવાદિત નિવેદન આપી રહ્યાં છે. કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા અંગે તેઓ સતત કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. સતના જિલ્લાના મેહર ખાતે કમલનાથે શુક્રવારે વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત મહાન નહીં, ભારત બદનામ હૈ. તમામ દેશોએ પ્રતિબંધ મૂક્યો છે કે ભારતના લોકો આવી શકશે નહીં.
મેહરમાં મા શારદાદેવીના દર્શન પછી સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યું કે સરકાર કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છૂપાવી રહી છે. કોઈએ તેમને ન્યૂયોર્કથી ફોન કરી કહ્યું કે ત્યાં ભારતના લોકો ટેક્સી ચલાવી રહ્યાં છે. તેમની ટેક્સીમાં કોઈ બેસતું નથી.
ભાજપે કમલનાથના નિવેદનોનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે કમલનાથજી, મેરા ભારત મહાન થા, મહાન હૈ અને મહાન હી રહેગા પરંતુ ચીની દિમાગથી વિચારનાર અને ઇટાલીયન ચશ્માથી જોનારાને તે નજરે નહીં પડે. તમારા જેવા માટે તો ગોસ્વામી તુલસીદાસ કહી ગયા છે કે જાકો પ્રભુ દારુણ દુઃખ દેહી, તાકી મતિ પહલે હર લેહી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કમલનાથના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સોનિયા ગાંધીએ જવાબ આપવો જોઈએ કે શું તેઓ કમલનાથના નિવેદન સાથે સહમત છે? સત્તા ગયા પછી કમલનાથનું માનસિક સંતુલન જતું રહ્યું છે. કમલનાથે જે ધરતી પર જન્મ લીધો તેને જ તેઓ બદનામ કરી રહ્યા છે.