યોગગુરુ બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન છેલ્લા કેટલાક દિવસોથી આમને સામને આવી ગયા છે.
દરમિયાન આઈએમએ બંગાળ દ્વારા હવે બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે. બાબા રામદેવે તાજેતરમાં એવુ નિવેદન આપ્યુ હતુ કે, આધુનિક મેડિસિન અને એલોપેથીથી કોરોનાની સારવાર થઈ શકતી નથી. હવે આઈએમએની બંગાળ બ્રાન્ચ વતી ડો.શાંતનુ સેને આ નિવેદન બદલ બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તાજેતરમાં જ આઈએમએ દ્વારા બાબા રામદેવ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવા માટે માંગ થઈ હતી. બાબા રામદેવે એવો પણ દાવો કર્યો છે કે, એલોપેથીથી 10 ટકા લોકો અને આર્યુવેદ તથા યોગથી 90 ટકા દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ બંગાળમાં નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે, હાલમાં બાબા રામદેવે નિવેદન આપ્યુ હતુ કે મોર્ડન મેડિસિનના કારણે કોરોના પિડિત લોકોના મોત વધારે થયા છે. બાબા રામદેવના નિવેદન સમાજમાં મૂંઝવણ ઉભી કરી રહ્યા છે. તેઓ મોર્ડન મેડિસિનનુ નામ ખરાબ કરી રહ્યા છે. જીવના જોખમે દેશની સેવા કરી રહેલા ડોકટરોનુ તેમણએ અપમાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આઈએમએની ઉત્તરાખંડ બ્રાન્ચ દ્વારા પણ બાબા રામદેવની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો.