બૅન્ક ઑફ ઇન્ડિયાની રાજકોટ બ્રાન્ચમાં ટેમ્પલ ટ્રી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના કરન્ટ એકાઉન્ટમાંથી ત્રણ ચેકના માધ્યમથી રૂા. 16.67 કરોડનો ઉપાડ કરી લેવાના કેસના કથિત આરોપી રાજ મકવાણાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેડું આપ્યું છે.
આ ખાતામાંથી ઉપાડ કરવા માટે રૂા. 6.08 કરોડ, રૂા. 5.09 કરોડ અને ર-ા. 5.50 કરોડના ચૅક આપીને નાણાંનો ઉપાડ કરી લેવામાં આવ્યો છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટથી ટ્રાન્સફર કરાયેલા નાણાં કોઈ અજાણી વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે. તેને પરિણામે બૅન્કને રૂા. 11.17 કરોડથી વધુ રકમનું નુકસાન થયું છે.
બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ ફ્રોડ માટે મેસર્સ લોમ્પાયર નામની કંપનીના અજાણ્યા ભાગીદારો, મેસર્સ ઇન્વર્ટ ટ્રાયેન્ગલ તથા હીરેન ભરતભાઈ કોટક સામે એફ.આઈ.આર. ફાઈલ કરી છે. લોમ્પાયરના ભાગીદાર રાજ એન. મકવાણા હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પણ તેડું આપ્યું છે. ત્રીજો ચૅક ક્લિયર કરવાનું અટકાવી દેવામાં આવતા તે નાણાં બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈના કસ્ટમરને નામે ઇશ્યૂ કરવામાં આવેલા પહેલા અને બીજા નંબરના ચેક એટલે કે રૂા. 6.08 કરોડ અને રૂા. 5.09 ચેક ક્લિયર કરવામાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું બૅન્ક ઑફ ઇન્ડિયાની રાજકોટ બ્રાન્ચના ડેપ્યુટી ઝોનલ મૅનેજર ડી.બી. રાવલે પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ટેમ્પલ ટ્રી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે ત્રીજી નવેમ્બર 2020ના ફરિયાદ કરતાં આ કૌભાંડ બહાર આવ્યું હતું.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે 27મી ઓક્ટોબર 2020, 28મી ઓક્ટોબર 2020 અને બીજી નવેમ્બર 2020ના આ ચૅક ઇશ્યૂ કરવામાં આવ્યા ત્યારબાદ ત્રીજી નવેમ્બર 2020ના દિને ટેમ્પલટ્રી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ વતીથી આ ચૅક ઇશ્યૂ જ કરવામાં ન આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તેમના ખાતામાંથી રકમ આપવા માટે ઇશ્યૂ કરવામાં આવેલા ત્રણેય ચૅક ફોર્જ્ડ એટલે કે બનાવટી સહી સાથે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક છે.
તેથી આ કૌભાંડના કથિત આરોપીઓ મેસર્સ લોમ્પાયર, મેસર્સ ઇન્વર્ટ ટ્રાયેન્ગલ, હીેરેન કોટક સામે ઇન્ડિયન કોડની કલમ 120 બી, 379, 411, 420, 467, 468 અને 471 હેઠળ ફરિયાદ કરી છે. તેમ જ પ્રીવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 12 (1)(એ) અને 13 (2) હેઠળ પણ તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે.
તેમની સામે લગાવવામાં આવેલી આકરી કલમોને જોતાં તેમને જામીન ન મળવાની સંભાવના વચ્ચે સીબીઆઈ કોર્ટમાંથી 20મી મેએ જામીન મળી જતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરત જ હરકતમાં આવ્યું હતું અને મેસર્સ લોમ્પાયરના પાર્ટનર રાજ એન. મકવાણાને સમન્સ પાઠવી એન્ફોર્મેસન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઑફિસમાં પહેલી જૂને તેમની હેલ્મેટ સર્કલ પાસેની ઑફિસમાં હાજર થવા ફરમાન કર્યું છે. આ કૌભાંડમાં બીજા કેટલાક અજાણ્યા લોકો પણ સંડોવાયેલા હોવાની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આશંકા છે. તેમની બંને તપાસ સંસ્થા તલાશ કરી રહી છે.