બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક કરશે ડૉક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ

યોગ ગુરૂ બાબા રામદેવના ડૉક્ટર્સ અંગેના નિવેદનને લઈ ભારે ઘમસાણ મચ્યું છે અને દરરોજ બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ અસોશિએશન (આઈએમએ) બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ અસોશિએશને (એફએઆઈએમએ) પણ બાબાને કાયદાકીય નોટિસ મોકલી છે. ત્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અસોશિએશન ઈન્ડિયા (ફોર્ડા)એ 1 જૂનના રોજ દેશભરમાં બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી છે.

કોરોના વેક્સિનેશન અને એલોપથી અંગેના બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરૂદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાની જાહેરાત કરી છે.  ફોર્ડાના અધ્યક્ષ ડૉક્ટર મનીષના કહેવા પ્રમાણે સંસ્થા સાથે સંકળાયેલા દેશના તમામ રેજિડેન્ટ ડૉક્ટર્સ અસોશિએશન (આરડીએ) 1 જૂનના રોજ બ્લેક ડે ઉજવશે.

ડૉક્ટર મનીષે જણાવ્યું કે, કોરોના ડ્યુટીમાં લાગેલા તમામ ડૉક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ પીપીઈ કીટ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. સાથે જ વ્હોટ્સએપ પર પોતાનો ડીપી પણ બ્લેક કરી દેશે. ડૉકટર્સના મતે બાબા રામદેવે પોતાના નિવેદનો દ્વારા સરકાર દ્વારા કરાવાઈ રહેલા વેક્સિનેશન અભિયાન વિરૂદ્ધ જુઠાણુ અને ભ્રમ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે રામદેવના નિવેદનથી દેશમાં આયુર્વેદ અને એલોપથી વચ્ચેનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *