કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને રાજ્યમાંથી દિલ્હી બોલાવવા મુદ્દે તેમણે કહ્યું હતું કે રાજ્યના સીનિયર બ્યૂરોક્રેટ્સને કોરોના સંકટ વચ્ચે લોકો માટે કામ કરવાની અનુમતી મળવી જોઇએ. તેમણે દાવો કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ કેન્દ્ર રાજ્ય સાથે બદલાની રાજનીતિ કરી રહી છે.
મમતાએ આરોપ લગાવ્યો કે મોદી અને અમિત શાહને બંગાળમાં ભાજપની જે હાર થઇ છે તે પચી નથી રહી અને તેથી જ બંગાળની સાથે બદલાની રાજનીતિ કરી રહ્યા છે. પહેલા દિવસથી જ મોદી અને શાહે અમારા માટે સમસ્યાઓ પેદા કરવાનું શરૂ કરી દીધુ છે. અમારા મુખ્ય સચિવનો દોશ શું છે કે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા?
મમતાએ કહ્યું કે કોરોના મહામારીમાં અમારા મુખ્ય સચિવને દિલ્હી બોલાવવા એ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર રાજ્યની સાથે બદલાની રાજનીતિ કરી રહી છે. મમતાએ એમ પણ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના વિકાસ માટે હું પીએમ મોદીના પગમાં પડવા માટે પણ તૈયાર છું.
વાવાઝોડા બાદના નુકસાનની ચર્ચા માટે પીએમ મોદી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ચર્ચા કરવા માટે મોદીને બંગાળ સરકારે 30 મિનિટ રાહ જોવડાવી હતી, જે દાવાને મમતાએ ફગાવ્યા હતા અને કહ્યું હતું કે આવુ કઇ જ નહોતુ થયું અને સમયસર આ બેઠકમાં ભાગ લેવામાં આવ્યો હતો.
મમતા અને મોદીની આ બેઠક યોજાવાની હતી, જોકે મમતાએ રાજ્યમાં જે ખર્ચ થયો તેનો રિપોર્ટ મોદીને સોપી દીધો હતો અને ત્યાંથી રવાના થઇ ગયા હતા. જોકે મમતાએ આરોપો ફગાવ્યા હતા અને પીએમઓ પર પોતાની છાપ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.