મહારાષ્ટ્રમાં કેસ ઓછા થવા છતાં રાજ્ય સરકારે લોકડાઉન 15 દિવસ માટે લંબાવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે કહી શકતા નથી કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, જોકે અમને અમારી સુરક્ષા ઓછી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે પ્રદેશના કેટલાક જિલ્લામાં હજુ પણ કેસ વધી રહ્યા છે.
ઉદ્ધવે કહ્યું કે દરરોજ મળી રહેલા કેસમાં ઘટાડો આવવા છતાં તે પહેલી લહેરની પીક નજીક છે. મહારાષ્ટ્રમાં રવિવારે 18,600 નવા કેસ સામે આવ્યા છે. તે મિડ માર્ચ બાદ સૌથી ઓછા છે. દરમિયાન 24 કલાકમાં 402 દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ અગાઉ 16 માર્ચના રોજ રાજ્યમાં 17,864 કેસ આવ્યા હતા.
દુકાન ખોલવાનો સમય લંબાવાઈ શકે છે
રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ જરૂરી દુકાન જે અત્યારે 7-11 વાગ્યા વચ્ચે ખોલવા માટે મંજૂરી છે, તેને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે ખોલવા મંજૂરી આપવામાં આવી શકે છે.
ઉદ્ધવે કહ્યું- મોટા શહેરોમાં કેસ ઘટી રહ્યા છે
CM ઠાકરેએ કહ્યું કે લોકડાઉન-15 જૂન સુધી લંબાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કડક લોકડાઉનની જરૂર નથી. પણ કેટલાક જિલ્લામાં સંક્રમણ હજુ પણ ઝડપથી વધી રહ્યું છે. અત્યારે પણ સ્થિતિ કાબૂમાં નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં કોરોના સંક્રમણના કેસ ઓછા થઈ રહ્યા છે.
કેન્દ્ર વેક્સિનના 20થી 25 કરોડ ડોઝ ખરીદશે
દેશભરમાં કોરોના વેક્સિનની અછતના સમાચાર વચ્ચે કેન્દ્ર સરકારે તેને ખરીદી વધારવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ રવિવારે જણાવ્યું કે કેન્દ્ર સરકાર જુલાઈના અંત સુધીમાં વેક્સિનના 20થી 25 કરોડ ડોઝ ખરીદશે. જે બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 30 કરોડ ડોઝ ખરીદવામાં આવશે. કોવિશીલ્ડ વેક્સિન બનાવી રહેલી કંપની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (SII) જૂનમાં સરકારને તેના 10 કરોડ ડોઝ આપી દેશે.