નાણાકીય વર્ષ 2020-21માં દેશના જીડીપીમાં 7.3%નો ઘટાડો થયો છે. આ ચાર દસકામાં દેશમાં જીડીપીમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 1979માં જનતા પાર્ટીની સરકારમાં દુકાળના કારણે જીડીપીમાં 5.3%નો ઘટાડો થયો હતો. જોકે, પાછલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં જીડીપી 1.6% વધ્યો હતો. તેનાથી એ સંકેત મળે છે કે, કોરોનાની બીજી લહેર પહેલાં દેશનું અર્થતંત્ર રિકવરીમાં હતું. વર્ષ 2020-21માં અર્થતંત્રમાં ઘટાડાનું અનુમાન હતું. તેનું કારણ કોરોના મહામારી હતું.
એ પહેલા વર્ષ 2019-20માં દેશનો જીડીપી ગ્રોથ 4% હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં જારી અનુમાનોમાં ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષના આર્થિક વિકાસ દરમાં 8% ઘટાડાનું અનુમાન કરાયું હતું. આ રીતે વાસ્તવિક આંકડા અનુમાનની સરખામણીમાં સારા છે. બીજી તરફ, આખી દુનિયાને કોરોના મહામારી આપનારા ચીનનો ચાલુ વર્ષના ત્રિમાસિકનો ગ્રોથ 18.3% રહ્યો છે. ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રનો ગ્રોથ 14% રહ્યો હતો. યુટિલિટી ક્ષેત્રનો ગ્રોથ પણ 9.1% રહ્યો, જેમાં ગેસ, વીજળી, પાણી પુરવઠા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, સર્વિસ સેક્ટરમાં 2.3% ઘટાડો નોંધાયો છે. તેમાં હોટલ, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ જેવા ક્ષેત્રો સમાવાય છે. જોકે, કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રના સારા દેખાવથી ગયા વર્ષે જીડીપીમાં અનુમાન કરતા ઓછો ઘટાડો થયો હતો.
એવું મનાય છે કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપી પર કોરોનાની બીજી લહેરનો માર પડશે. આ કારણસર પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડી દેવાયું હતું. જોકે, કોરોનાની બીજી લહેરના કારણે પાટા પર આવેલું અર્થતંત્ર ફરી ખોડંગાયું. હવે બીજી લહેરની અસર ચાલુ વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક પર પડી શકે છે.