અમદાવાદ : અમદાવાદમાં મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારીના કારણે બીયુ પરમિશન વગર જ બિલ્ડીંગના ઠેર ઠેર શરૂ થઈ જતાં ઉપયોગ, ફાયર સેફ્ટીનો અભાવ અને રહેણાંક ઝોનમાં ધમધમી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિ અંગે હાઇકોર્ટની કડક આલોચના બાદ સફાળા જાગેલા ટીડીઓ- એસ્ટેટ ખાતાના અધિકારીઓએ ગઈ રાતના 1-30 વાગ્યાથી શરૂ કરી આજે વહેલી સવાર સુધીમાં કુલ 514 એકમોને સીલ મારી દીધા છે.
જેમાં 13થી વધુ હોટેલ- રેસ્ટોરન્ટ, વસ્ત્રાપુરની જાણીતી પ્રકાશ સ્કૂલ તેમજ 80થી 90 દુકાનો- ઓફિસો હોય તેવા કોમ્પ્લેક્સને તમામ પ્રકારના કામકાજ બંધ થઈ જાય તે રીતે ‘સીલ’ મારી દીધા છે. ગેરકાયદે બાંધકામ કે તેનો ઉપયોગ થતો હોય ત્યારે આંખ આડા કાન કરી થવા દે અને બિલ્ડર કમાઈને જતો રહે તે પછી તેની ખરીદી કરનારા નાના વેપારીઓને મ્યુનિ. તંત્ર આ રીતે દંડે તેની સામે રોષની લાગણી પણ ઉભી થવા પામી છે.
આ અંગેની વિગતો એવી છે કે પશ્ચિમ પટ્ટામાં પશ્ચિમ ઝોનમાં શેફાલી કોમર્શિયલ સેન્ટર, પાલડીમાં 81 અને યુનિવર્સિટી પ્લાઝા નવરંગપુરામાં 68 દુકાનો- ઓફિસો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં મયુર પેલેસ હોટેલના 3 એકમો, મોતીમહેલ હોટેલ, સાવન હોટેલ, ભૂખ લગી હૈ, હોટલ રોયલ પ્લાઝા મળી 7 એકમો અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુરમાં પ્રકાશ સ્કૂલ, સિંધુ હવેલી કાફે, કાકા ભાજીપાઉંને સીલ કરેલ છે. આ પૈકી યુનિવર્સિટી પ્લાઝા પહેલા પણ ‘સીલ’ કરાયું હતું. રહેણાંક ઝોનમાં કોમર્શિયલ સેન્ટર છે તેણે આપેલી બાંહેધરીનું પાલન થયું ના હોવાથી ફરી સીલ કરેલ છે.
પૂર્વના પટ્ટામાં દક્ષિણ ઝોનમાં નારોલ સર્કલ પાસે બિઝનેસ પોઇન્ટ કોમપ્લેક્સની 90 અને મણીનગરના યશ કોમ્પ્લેક્સ-1 અને 2ની 27 દુકાનો- ઓફિસોને સીલ મારી દેવામાં આવેલ છે. પૂર્વ ઝોનમાં મહાલક્ષ્મી ઓટો કેર પ્રા. લી. મહેન્દ્રનું વર્કશોપ, નૈયા પેરેડાઇઝ કોમ્પ્લેક્સની આઇ બ્લોકની 37 અને એચ બ્લોકની 43 દુકાનો અને ઓફિસોને સીલ મારી દેવામાં આવેલ છે.
ઉત્તર ઝોનમાં રેમ્બો રેસ્ટોરન્ટ, સરિતા પાર્કની 4 દુકાનો અને સરદારનગરની 2 દુકાનો સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં 146, ઉત્તર ઝોનમાં 3, દક્ષિણ ઝોનમાં 24, મધ્ય ઝોનમાં 136, ઉત્તર ઝોનમાં 7, પૂર્વ ઝોનમાં 81 અને દક્ષિણ ઝોનમાં 117 એકમો મળી કુલ 514ને સીલ કરાયા છે. જેમાં 314 દુકાનો ઓફિસો હોટેલના 194 રૂમ, રેસ્ટોરન્ટના 4 યુનિટ, 1 સ્કૂલનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૈકીના મોટાભાગના એકમો વર્ષોથી બેરોકટોક ધમધમતા હતા, તો પછી મ્યુનિ. તંત્રએ આજ સુધી તેની સામે પગલા કેમ નહોતા લીધા તે પ્રશ્ન અનુત્તર છે જેવો ઉપરથી આદેશ થયો કે રાતના સમયે જ ફટાફટ મિલકતો સીલ થવા માંડી હતી. તેનો અર્થ એ થયો કે, ટીડીઓ- એસ્ટેટ ખાતા પાસે આવી મિલ્કતોનું લિસ્ટ તૈયાર જ હતું, પણ સાંઠગાંઠના કારણે પગલા લેવાતા ન હતા.
ગુજરાત એક જ એવું રાજ્ય છે જ્યાં 12 વર્ષના ગાળામાં બબ્બે વખત ઇમ્પેક્ટ-ફીની જોગવાઈ સરકારે કરવી પડી છે. ઇમ્પેક્ટ ફીનો અર્થ એવો હોય છે ક અત્યાર સુધીના ગેરકાયદે બાંધકામોને નક્કી કરેલ ફી લઈ કાયદેસર કરી આપવા, તે પછી એક પણ ગેરકાયદે બાંધકામ ચલાવવું નહીં. અમદાવાદ જેવા સ્માર્ટસિટીમાં કઈ હદની પોલંપોલ ચાલે છે, તેનો આ નરી આંખે દેખાય તેવો નમૂનો છે.
ઇમ્પેક્ટ-ફી ડબલ બેનીફીટ યોજના
અમદાવાદ મ્યુનિ.ના ટીડીઓ- એસ્ટેટ ખાતામાં ફરજ બજાવતા કર્મચારી- અધિકારીઓ તેમના કાર્યકાળ દરમ્યાન ઇમ્પેક્ટ-ફીની યોજના લાગુ પડે તો જલ્સો પડી જાય તેવી મહેચ્છા રાખતા હોય છે. કેમ કે, ઇમ્પેક્ટ-ફી ડબલ બેનીફીટ યોજના તરીકે આ ખાતામાં જાણીતી થઈ ગઈ છે, ગેરકાયદે બાંધકામ થતું હોય ત્યારે પણ હપ્તો મળે અને પછી ઇમ્પેક્ટ ફીની યોજના હેઠળ બિલ્ડર તેને કાયદેસર કરાવવા આવે ત્યારે ફરી તેમાંથી હપ્તો મળે. એક જ કામના બે અર્થલાભ થતા હોવાથી તેનું નામ ડબલ બેનીફીટ યોજના પડી ગયું છે.
પ્રકાશ સ્કૂલ સહિત ક્યા ક્યા એકમોને ‘સીલ’ કરાયા ?
એકમ |
સ્થળ |
પ્રકાશ હાઈસ્કૂલ |
વસ્ત્રાપુર |
ફોર બ્રધર્સ કાફે |
થલતેજ |
કાકા ભાજીપાઉં |
ગોતા |
સાવન હોટેલ |
સરખેજ |
મોતીમહલ હોટેલ |
એસ.જી.હાઈવે |
મયુરપાર્ક હોટેલ 10 રૂમ |
એસ.જી.હાઈવે |
હોટલ રોયલ પ્લાઝા 11 રૂમ |
એસ.જી.હાઈવે |
શેફાલી કોમ્પલેક્સ 81 દુકાનો |
પાલડી |
યુનિવર્સિટી પ્લાઝા 65 દુકાનો |
નવરંગપુરા |
એવરેસ્ટ હોટેલ 29 રૂમ |
આસ્ટોડિયા |
શીવગંગા હોટેલ 26 રૂમ |
સારંગપુર |
હોટેલ રામનિવાસ 15 રૂમ |
ખાડિયા |
હોટેલ નિલકંઠ 40 રૂમ |
ગીતામંદિર |
હોટેલ આવકાર 26 રૂમ |
જમાલપુર |
રેમ્બો રેસ્ટોરન્ટ |
બાપુનગર |
સરિતાપાર્ક સોસા. 4 દુકાન |
બાપુનગર |
ખાડકર ઓટો. 2 દુકાન |
સરદારનગર |
નૈયા પેરેડાઈઝ 80 દુકાનો |
વસ્ત્રાલ |
યસ કોમ્પલેક્સ, 27 દુકાનો |
મણીનગર |
બિઝનેસ પોઈન્ટ 90 દુકાનો |
નારોલ |