Atmanirbhar Bharat : દેશના સંરક્ષણ ઉદ્યોગના પ્રોત્સાહન માટે 108 સંરક્ષણ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ

આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 31 મે સોમવારે દેશના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને વેગ આપવા માટે 108 લશ્કરી શસ્ત્રો અને ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વસ્તુઓમાં સિસ્ટમો અને એક્સેસરીઝનો સમાવેશ થાય છે જેમ કે નેક્સ્ટ-જનરેશન કર્વેટ્સ, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ, ટેંકના એન્જિન્સ અને રડાર.

ગત વર્ષે 101 વસ્તુઓ પર પ્રતિબંધ લગાવાયો હતો
Atmanirbhar Bharat અભિયાન અંતર્ગત સરકારે ગત વર્ષે 101 સંરક્ષણ સંબંધિત વસ્તુઓની આયાત અટકાવવા માટે પ્રથમ નેગેટીવ લીસ્ટ જાહેર કર્યુ હતું. આ પહેલી લીસ્ટમાં ખેંચીને લઇ જઈ શકાતી આર્ટલરી ગન, ઓછા અંતરથી હવામાં જ ટાર્ગેટને તોડી પડનારી મિસાઈલ, ક્રુઝ મિસાઈલ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી, નેક્સ્ટ જનરેશન મિસાઈલ જહાજ, ફ્લોટિંગ ડાક અને સબમરીન વિરોધી રોકેટ લોંચર શામેલ હતા.

 

અધિકારીઓએ કહ્યું કે આ બીજા લીસ્ટમાં સમાવિષ્ટ 108 વસ્તુઓની આયાત પરનો પ્રતિબંધ ડિસેમ્બર 2021 થી ડિસેમ્બર 2025 ના ગાળામાં ક્રમશઃ અસરકારક રહેશે. રાજ્યની માલિકીની અને ખાનગી સંરક્ષણ ઉત્પાદક ઉદ્યોગ સંસ્થાઓ સાથે અનેક બેઠકોમાં થયેલા પરામર્શ બાદ સંરક્ષણ મંત્રાલયે આ લીસ્ટ તૈયાર કર્યુ છે.

 

હવે સ્વદેશી સપ્લાય દ્વારા ખરીદાશે વસ્તુઓ
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) ના પ્રયાસને અનુસરવા અને સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સૈન્ય બાબતોના વિભાગની 108 વસ્તુઓના બીજા સકારાત્મક સ્વદેશીકરણ લીસ્ટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ડીફેન્સ એક્વિઝિશન પ્રોસિજર (DAP) 2020 ની જોગવાઈ મુજબ હવે તમામ 108 વસ્તુઓ સ્વદેશી સ્ત્રોતોમાંથી ખરીદવામાં આવશે.

સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને મળશે વેગ
Atmanirbhar Bharat અભિયાન અંતર્ગત સરકારે છેલ્લાં કેટલાક વર્ષોમાં સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને વેગ આપવા માટે ઘણાં પગલાં લીધાં છે. સંરક્ષણ મંત્રાલયની નવી સંરક્ષણ નીતિમાં 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં રૂ. 1.75 લાખ કરોડ એટલે કે 25 અબજ ડોલરનું ટર્નઓવર થવાની કલ્પના છે.

ભારત વૈશ્વિક સંરક્ષણ દિગ્ગજો માટે સૌથી આકર્ષક બજારોમાંનું એક છે. છેલ્લા આઠથી દસ વર્ષમાં ભારત સૈન્ય હાર્ડવેરના આયાતકારોમાં ટોચનો એક દેશમાં છે. અનુમાન મુજબ, આગામી પાંચ વર્ષોમાં ભારતીય સેનાઓની મૂડીગત ખરીદી પર લગભગ 130 અબજ ડોલર ખર્ચ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *