નિફ્ટીમાં નવો વિક્રમ : રોકાણકારોની સંપત્તિ વધીને રૂા. 223 લાખ કરોડની વિક્રમી ટોચે

દેશના રાજકોષીય ખાધના અંદાજમાં ઘટાડો, બેંકો દ્વારા નાના ઉદ્યોગોના દેવાના પુનર્ગઠનની શરૂઆત તેમજ સંક્રમણમાં ઘટાડાના અહેવાલ પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સમાં 515 પોઇન્ટનો ઉછાળો નોંધાતા રોકાણકારોની સંપત્તિ વધીને રૂા. 223 લાખ કરોડની નવી ટોચે પહોંચી હતી.

જ્યારે નિફ્ટીએ 15606ની ઓલટાઇમ હાઇ સપાટી રચી કામકાજના અંતે 15582ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. કોરોનાની બીજી લહેર ધીમી પડતા વિવિધ રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થવાની સાથેસાથે બેંકો દ્વારા નાના ઉદ્યોગો માટે દેવાના પુનર્ગઠનની શરૂઆત તેમજ સરકાર દ્વારા વધુ એક રાહત પેકેજ જાહેર થવાની આશાની બજાર પર સાનુકૂળ અસર હતી.

આ ઉપરાંત ભારતના રાજકોષીય ખાધનો અંદાજ 9.5 ટકાથી સુધારીને 9.3 કર્યાના અહેવાલો તેમજ ચાલુ સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષા વેળા ચોક્કસ પગલા જાહેર થવાની આશાએ બજારનું મોરલ ઝડપથી સુધર્યું હતું.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ એનએસઇ ખાતે પ્રારંભિક વોલેટાલીટી બાદ નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને 15606.35ની ઓલટાઇમ હાઇ સપાટી રચ્યા બાદ કામકાજના અંતે 147.15 પોઇન્ટ વધી 15582.80ની સપાટીએ મજબૂત રહ્યો હતો

મુંબઈ શેરબજાર ખાતે પણ પ્રારંભિક વોલેટાલિટી બાદ નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સે ઇન્ટ્રા ડે 52,000ની સપાટી કુદાવી 52013 થઈ કામકાજના અંતે 514.56 પોઇન્ટ વધીને 51937.44ની સપાટીએ મક્કમ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. માર્કેટ કેપ) પણ પાછલી રૂા. 221.18 લાખ કરોડની સપાટીથી વધીને રૂા. 222.99 લાખ કરોડ પહોંચી હતી. છેલ્લા સાત સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 7.37 લાખ કરોડનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *