ગુજરાત સરકારે રાજ્યની સાત ખાનગી યુનિ.ઓને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો આપવા આજે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ સાત યુનિ.ઓમાં સેપ્ટ,અમદાવાદ,નિરમા, પીડીપીયુ,ડીએઆઈઆઈસીટી, ચારૃસેટ અને મારવાડી યુનિવર્સિટી સહિતની સાત યુનિ.ઓનો સમાવેશ થાય છે.આ યુનિ.ઓ સરકારને એક્શન પ્લાન રજૂ કરશે અને ત્યારબાદ સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સનું ફાઈનલ સ્ટેટસ આપવામા આવશે.
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની જેમ ૨૦૧૯માં યુનિ.ઓની જેમ સેન્ટર ઓફ એક્સલન્સ સ્કીમ લાગુ કરવામા આવી છે.આ સ્કીમ અંતર્ગત યુનિ.ઓને સરકાર સેન્ટર ઓફ એક્સલન્સનું સ્ટેટસ આપે છે જે મળ્યા બાદ યુનિ.ઓ સંપૂર્ણ રીતે ઓટોનોમસ થઈ જાય છે.સરકારની આ સ્કીમ અંતર્ગત ગત વર્ષે રાજ્યની સાત ખાયની યુનિ.ઓએ અરજી કરી હતી અને સાતેય યુનિ.ને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો આપવા સરકારે આજે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.આ યુનિ.ઓમાં નિરમા, પડીપીયુ,સેપ્ટ, ચારૃસેટ, અમદાવાદ, ડીએઆઈઆઈસીટી અને મારવાડી યુનિ.નો સમાવેશ થાય છે.આ સાત યુનિ.માંથી છ યુનિવર્સિટી અમદાવાદ-ગાંધીનગરની છે અને એક માત્ર મારવાડી યુનિ. રાજકોટની છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી અને જેમાં શિક્ષણમંત્રી,ઉચ્ચ અધિકારીઓ તથા યુનિ.ઓના વડાઓ સાથે ચર્ચા કરવામા આવી હતી.હાલ મુખ્યમંત્રીએ શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં સાતેય યુનિ.ના વડાઓને બેઠક કરીને દેશની ટોપ-૧૦ અને વિશ્વની ટોપ-૧૦ યુનિ.ઓનો અભ્યાસ કરી એક્શન પ્લાન રજૂ કરવા સૂચના આપી છે.
આ એક્સશન પ્લાન બે સપ્તાહમાં યુનિ.ઓ સરકારને રજૂ કરશે અને ત્યારબાદ સરકાર દ્વારા ફાઈનલ સ્ટેટસ આપવામા આવશે.નવા શૈક્ષણિક વર્ષથી જ આ યુનિ.ઓને ફાઈનલ સ્ટેટસ મળી જાય તેવી શક્યતા છે અને આ સ્ટેટસ મળતા એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સ બનતા જ આ યુનિ.ઓને રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણ પ્રવેશ અધિનિયમો, ફી રેગ્યુલેશનના નિયમો તેમજ અન્ય રેગ્યુલેશન્સ લાગુ નહી પડે. આ તમામ યુનિ.દ્વારા મોટા ભાગે ટેકનિકલ -પ્રોફેશનલ કોર્સીસ જ ચલાવવામા આવે છે અને આ યુનિ.ઓ લાખો રૃપિયા ફી વસૂલે છે ત્યારે હવે ગુજરાતના વિદ્યાર્થીઓને આ યુનિ.ઓમાં પ્રવેશ લેવો વધુ મોંઘો પડશે કારણકે હવે આ યુનિ.ઓ સરકારની ફી રેગ્યુલેશન કમિટીના લિસ્ટમાંથી પણ બહાર આવી જશે અને યુનિ.ઓ પોતાની રીતે તમામ કોર્સની ફી નક્કી કરશે ઉપરાંત પ્રવેશ માટેના નિયમો પણ પોતાની રીતે નક્કી કરી શકશે.મહત્વનું છે કે ડિગ્રી ઈજનેરીમાં હાલ સરકારના નિયમ પ્રમાણે આ યુનિ.ઓમાં ૫૦ ટકા બેઠકો ગુજકેટ પ્રમાણે ભરાય છે અને ૫૦ ટકા બેઠકો જેઈઈ પ્રમાણે ભરાય છે ત્યારે હવે આ યુનિ.ઓ પોતાની રીતે પ્રવેશ આપતા ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થશે અને કેટલો નુકશાન તે મોટો પ્રશ્ન છે.