ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો)ના ગુજરાતમાં કલોલમાં આવેલા નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે વિશ્વનું પહેલું નેનો યુરિયા લિક્વિડ બનાવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, નેનો યુરિયા લિક્વિડ છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનું જણાયું છે. એ સારા પોષણ ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરે છે. એ ભૂગર્ભ જળની ગુણવત્તા પર ખૂબ જ સકારાત્મક અસર સાથે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પર અસર કરતાં ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
ખેડૂતોનો ઈન્પુટ ખર્ચ ઘટશે
કંપનીએ જણાવ્યું હતું કે ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ ખેડૂતો માટે વાજબી છે અને તેમની આવકમાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે. ઇફ્કો નેનો યુરિયા લિક્વિડની 500 મિલીલિટર બોટલ પરંપરાગત યુરિયાની ઓછામાં ઓછી એક બેગનું સ્થાન લેશે, આથી એ ખેડૂતોના ઇન્પુટ ખર્ચમાં ઘટાડો કરશે. નેનો યુરિયા લિક્વિડનું કદ નાનું છે અને એ લોજિસ્ટિક તથા વેરહાઉસિંગનો ખર્ચ પણ ઘટાડશે. કંપનીએ ખેડૂતો માટે નેનો યુરિયાની 500 મિલીલિટર બોટલની કિંમત રૂ. 240 રાખી છે, જે પરંપરાગત યુરિયા બેગની કિંમત કરતાં 10 ટકા સસ્તી છે.
94થી વધુ પાક પર પરીક્ષણ થયું
ઇફ્કો નેનો યુરિયા લિક્વિડની અસરકારકતાની ચકાસણી કરવા માટે સમગ્ર ભારતમાં 94થી વધુ પાક પર આશરે 11,000 ફાર્મર ફિલ્ડ ટ્રાયલ્સ કરાઈ હતી. તાજેતરમાં દેશભરમાં 94 પાક પર હાથ ધરાયેલી ટ્રાયલ્સમાં ઊપજમાં સરેરાશ 8 ટકાનો વધારો નોંધાયો છે. ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ પરંપરાગત યુરિયાને બદલવા માટે વિકસાવવામાં આવ્યું છે અને એ જરૂરિયાતમાં ઓછામાં ઓછો 50 ટકાનો ઘટાડો કરી શકે છે.
જમીનમાં યુરિયાનો વધુપડતો ઉપયોગ ઘટશે
ઈફ્કોના જણાવ્યા મુજબ, ખેડૂતો દ્વારા નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી સંતુલિત પોષણ કાર્યક્રમને વેગ મળશે તથા જમીનમાં યુરિયાનો વધુપડતો ઉપયોગ ઘટશે. યુરિયાના વધુપડતા ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ, જમીનના આરોગ્યને નુકસાન થાય છે તથા છોડ રોગ અને જીવાતોના ઉપદ્રવ માટે વધુ સંવેદનશીલ બને છે તેમજ પાકના વિકાસમાં વિલંબ અને ઉત્પાદનમાં નુકસાન થાય છે. નેનો યુરિયા લિક્વિડ પાકને મજબૂત, સ્વસ્થ બનાવે છે તથા બીજી અસરોથી એને સુરક્ષિત રાખે છે.