ઇઝરાયેલ 2 વર્ષમાં પાંચમી ચૂંટણી તરફ જવાથી બચી ગયું છે. 12 વર્ષ વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુ હવે વડાપ્રધાન નહીં રહે. તેમનું સ્થાન હવે ગઠબંધન સરકારના લીડર નેફ્ટાલી બેનેટ લેશે, પરંતુ વાત અહીં જ સમાપ્ત થતી નથી. આની રસપ્રદ બાબત એ છે કે બેનેટ ફક્ત 26 ઓગસ્ટ 2023 સુધી ખુરશી પર રહેશે. ત્યાર બાદ યેશ અટિડ પાર્ટીના વડા યેર લેપિડ વડાપ્રધાન બનશે.નિષ્ણાતો માને છે કે આ ગઠબંધન સરકાર માટે લાંબું ચાલવું મુશ્કેલ છે. તેમની વચ્ચે વૈચારિક ક્લેશ રહેશે. અહીં આપણે ઇઝરાયેલના રાજકારણ અને હાલના ઘટનાક્રમને લગતી મહત્ત્વપૂર્ણ બાબતો સમજાવીએ છીએ.
કેવું છે નવું ગઠબંધન
ઇઝરાયેલમાં ભારતની જેમ અનેક રાજકીય પાર્ટીઓ છે, એટલે કે બહુપક્ષીય વ્યવસ્થા છે. તેમની વિચારસરણી અલગ-અલગ છે. નેફ્ટાલી બેનેટ જી પાર્ટીના નેતા છે, એને આપ રાઇટ વિંગર, દક્ષિણ પંથી કે સામાન્ય રીતે કટ્ટરપંથી પાર્ટી કહી શકીએ છીએ. 8 પાર્ટીના ગઠબંધનમાં યેશ એટિડ પાર્ટી અને રામ પાર્ટી પણ છે. રસપ્રદ વાત એ છે કે યેશ મધ્યમાર્ગી છે કે સેન્ટ્રિસ્ટ વિચારધારાવાળી પાર્ટી છે. તે વધુ કટ્ટરપંથી પણ નથી અને વધુ નરમ વલણ ધરાવતી પણ નથી. આરબ-મુસ્લિમોની રામ પાર્ટી પણ ગઠબંધનનો ભાગ છે. ઇઝરાયેલમાં રહેતા આરબ મૂળના મુસ્લિમોની ઘણી પાર્ટીઓમાંના એક છે અને તેમના પોતાના અધિકારો પર તે ધ્યાન આપે છે.
ઇઝરાયેલમાં સરકાર બદલાઈ કેમ
બે વર્ષમાં ચાર વખત ચૂંટણી બાદ પણ કોઈ પાર્ટીને એકલા પોતાના બળે બહુમત મળ્યો નથી. સંસદમાં કુલ 120 બેઠક છે. બહુમત માટે 61 સાંસદ જોઈએ, પરંતુ, મલ્ટી પાર્ટી સિસ્ટમ છે અને નાની પાર્ટીઓ પણ કેટલીક બેઠકો જીતી જાય છે. આ કારણે કોઈ એક પાર્ટીને બહુમત મળવો સરળ નથી. નેતાન્યાહુની સાથે પણ આવું જ થયું.
‘ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ’ ના માર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, નેતન્યાહુની લિકૂડ પાર્ટીની પાસે 30 સાંસદ છે. સમર્થકો સાથે આ સંખ્યા 52 થાય છે, તોપણ બહુમતથી 9 બેઠક ઓછી છે. બીજી તરફ, બેનેટની યામિનાની પાસે માત્ર 7 અને રામ પાર્ટીની પાસે 5 સાંસદ છે. સમર્થકો સાથે આ આંકડો 56 થાય છે. નેતન્યાહુની સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે, બની શકે છે કે તેમને સજા પણ થાય. આ માટે તેમના વિરોધીઓ એકજૂથ થઈ ગયા છે.