વોટ્સઅપ ચાલાકી કરી લોકોને નવી પોલિસી સ્વીકારવા મજબૂર કરે છે : કેન્દ્ર

કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સઅપ વિરુદ્ધ ફરિયાદ કરી છે. કેન્દ્ર સરકારે સોગંદનામુ દાખલ કરતાં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ કાયદા તરીકે લાગુ થતા પહેલાં થતાં જ વોટ્સએપ તેના યુઝર્સ પર નવી પ્રાઈવસી પોલિસી અંગે મંજૂરી મેળવવા માટે તેમના પર દબાણ કરી રહી છે. સરકારનો આરોપ છે કે વોટ્સઅપ યુઝર્સની મંજૂરી મેળવવા માટે દરરોજ અનેક વખત તેમને નોટિફિકેશન મોકલી રહી છે.

કેન્દ્રે અદાલતમાં કહ્યું કે વોટ્સઅપ તેના યુઝર્સને વારંવાર નોટિફિકેશન મોકલી ચાલાકીથી તેમની મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે તેને ગ્રાહક વિરોધી વર્તન ગણાવતા હાઈકોર્ટને વિનંતી કરી કે તે મેસેજિંગ પ્લેટફોર્મને નિર્દેશ આપે કે નવી પ્રાઈવસી પોલિસી અંગે તે તેના વર્તમાન યુઝર્સને નોટિફિકેશન ના મોકલે. જોકે, વોટ્સઅપે ગુરુવારે કહ્યું હતું કે, તે નવી પ્રાઈવસી પોલિસી નહીં સ્વીકારનારા યુઝર્સની ફંક્શનાલિટી મર્યાદિત નહીં કરે, પરંતુ તેમને અપડેટ અંગે રીમાઈન્ડર્સ મોકલતી રહેશે.

કેન્દ્ર સરકારે વોટ્સઅપની નવી પ્રાઈવસી પોલિસીને પડકારતી અનેક અરજીઓના જવાબમાં દાખલ સોગંદનામામાં આ દાવો કર્યો હતો. કેન્દ્રે જણાવ્યું હતું કે વોટ્સઅપની નવી પ્રાઈવસી પોલિસી પ્રાઈવસીના કાયદાનો ભંગ કરે છે, કારણ કે પોલિસીમાં યુઝર્સને એ પણ નથી જણાવાતું કે તેમના સંબંધિત કેવા પ્રકારની સંવેદનશીલ માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે. કેન્દ્રે વધુમાં જણાવ્યું હતું કે નવી નીતિમાં યુઝર્સને માહિતીની સમિક્ષા કરવાનો અથવા તેમાં સુધારો કરવાનો વિકલ્પ પણ નથી અપાયો. આ રીતે તેમાં અપાયેલી મંજૂરી પાછી લેવાનો વિકલ્પ પણ નથી. વધુમાં એ ખાતરી પણ નથી અપાઈ કે યુઝર્સ સંબંધિત માહિતીને કોઈ ત્રીજા પક્ષ સાથે શૅર કરવામાં નહીં આવે.

વોટ્સઅપની ચાલાકી સ્પષ્ટ છે – તે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ કાયદાનું રૂપ ધારણ કરે તે પહેલાં જ ૨૦૨૧ની અદ્યતન પ્રાઈવસી પોલિસી પર બધા જ યુઝર્સની મંજૂરી મેળવવા માગે છે. કેન્દ્ર સરકારે માગણી કરી કે વોટ્સઅપને એ જણાવવા નિર્દેશ અપાય કે દૈનિક ધોરણે અત્યાર સુધીમાં તેણે કેટલા નોટિફિકેશન મોકલ્યા અને કેટલા લોકોએ તેની પ્રાઈવસી પોલિસી અપનાવવાની મંજૂરી આપી. કેન્દ્રે કહ્યું કે હાલમાં વોટ્સઅપની ‘લાખો ભારતીય યુઝર્સના અંગત, સંવેદનશીલ અને કમર્શિયલ ડેટા સુધી પહોંચ છે. કોરોના મહામારી દરમિયાન તે ‘આવશ્યક ડિટિટલ સેવા’ બની ગઈ છે અને એવામાં પ્રાઈવસી પોલિસી અને તેની શરતો સુપ્રીમ કોર્ટ દ્વારા ‘કે.એસ. પુટ્ટાસ્વામી’ ચૂકાદામાં નિર્ધારિત પ્રાઈવસીના સિદ્ધાંતો પર ખરી ઉતરે છે તે જોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *