ગુજરાત સરકારે કોરોનાને પગલે ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ કર્યા બાદ માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે ત્યારે માસ પ્રમોશનની પદ્ધતિ નક્કી કરવા રચાયેલી તજજ્ઞાોની કમિટી દ્વારા બોર્ડને હાલ સૂચનો-ભલામણો સાથેનો રિપોર્ટ આપી દેવાયો છે અને જેના આધારે સરકારની સૂચનાથી બોર્ડ દ્વારા ધો.૧૦ના માસ પ્રમોશન માટેના નિયમો- મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરવામા આવ્યા છે.જે મુજબ ધો.૧૦ના પરિણામમાં ધો.૧૦ની પ્રથમ સત્ર પરીક્ષા અને એક કસોટીના માર્કસ સાથે ધો.૯ની બંને સત્રની સામાયિક કસોટીના માર્કસને ધ્યાને લેવાશે.ઉપરાંત વિદ્યાર્થીઓને હંમેશની જેમ માર્કશીટમાં ગ્રેડ પણ અપાશે.જો કે માર્કશીટમાં માસ પ્રમોશન લખવામા નહી આવે.
ધો.૧૦ના માસ પ્રમોશના નિયમો અને મૂલ્યાંકન પધ્ધતિ અંતર્ગત ભાગ-૧માં ૨૦ ગુણ સ્કૂલ દ્વારા અપાતા આંતરિક મૂલ્યાંકનના રહેશે અને ભાગ-૨માં બોર્ડની ૮૦ માર્કસની પરીક્ષા માટેનુ પરિણામ તૈયાર કરવાના મૂલ્યાંકકના રહેશે. કુલ ૮૦ ગુણમાં ધો.૯ની પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ ૫૦)માંથી મેળવેલ ગુણને ૪૦ ટકામાં રૃપાંતરિત કરેલ ગુણને ધ્યાને લેવાશે જેનું મૂલ્ય ૨૦ ગુણનું રહેશે તથા દ્રિતિય સામાયિક કસોટી (કુલ ગુણ ૫૦)માંથી મેળવેલ ગુણને ૪૦ ટકા રૃપાંતરિત કરેલ ગુણને ધ્યાને લેવાશે અને જેનું મૂલ્ય પણ ગુણનું રહેશે. આ ઉપરાંત ધો.૧૦ની ૧૯ માર્ચથી ૨૭ માર્ચ દરમિયાન લેવાયેલી ઓનલાઈન-ઓફલાઈન યોજાયેલ પ્રથમ સામાયિક કસોટીમાંથી મેળવેલ ગુણને ૩૭.૫ ટકામાં રૃપાંતરિત કરેલ ગુણને ધ્યાને લેવાશે અને જેનું મુલ્ય ૩૦ ગુણનું રહેશે તેમજ ધો.૧૦ની એકમ કસોટી (કુલ ગુણ ૨૫)માંથી મેળવેલ ગુણને ૪૦ ટકામા રૃપાંતરીત કરેલ ગુણને ધ્યાને લેવાશે અને જેનું મૂલ્ય ૧૦ ગુણનું રહેશે.આમ કુલ ૮૦ ગુણમાંથી ફાઈનલ પરિણામ તૈયાર થશે.આ માપદંડોમાં ધો.૯ની પ્રથમ સત્ર પરીક્ષાને એ,દ્રીતીય સત્ર પરીક્ષાને બી, ધો.૧૦ની પ્રથમ સત્ર પરીક્ષાને સી અને એકમ કસોટને ડી સહિત કુલ ચાર માપદંડો નક્કી કરાયા છે.
બોર્ડે નક્કી કરેલા ચાર માપદંડો મુજબ સ્કૂલે પરિણામ તૈયાર કરવાનું રહેશે અને ૮૦માંથી વિદ્યાર્થીએ મેળવેલ કુલ ગુણને બોર્ડ દ્વારા તૈયાર કરેલ પોર્ટલ પર ગુજરાતી ભાષામાં ૮૦ ગુણમાંથી પ્રાપ્ત થયેલ ગુણ તરીકે દર્શાવવાના રહેશે. સ્કૂલે પરિણામ તૈયાર કરવા એક સમિતિની રચના કરવાની રહેશે અને તે સમિતિ દ્વારા બોર્ડની પદ્ધતિ મુજબ ૪થી૧૦ જુન સુધી સ્કૂલ લેવલ પરિણામની આકારણી-ગણતરી થશે. જ્યારે સ્કૂલે તૈયાર કરેલ પરિણામને બોર્ડ દ્વારા ૧૭મી જુન સુધીમાં અપલોડ કરાશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જુનના અંતિમ સપ્તાહમાં જાહેર થશે અને જુલાઈના બીજા સપ્તાહમાં સ્કૂલ લેવલે વિદ્યાર્થીઓની માર્કશીટોનું વિતરણ કરાશે. શાળાના આચાર્ય અંતિમ તારીખ સુધી કોઈ પણ સમયે સુધારા વધારા કરી શકશે અને અંતિમ તારીખ બાદ સુધારાને આવકાશ રહેશે નહી.દર વર્ષની જેમ એ-૧થી ડી સુધીના ગ્રેડ પણ આપવામા આવશે અને જે માર્કશીટમાં વિષય દીઠ તેમજ ઓવરઓલ ગ્રેડ તરીકે દર્શાવાશે.ધો.૧૦ના રેગ્યુલર એટલે કે નિયમિત વિદ્યાર્થીઓ કે જેઓ સ્કૂલમાં નોંધાયેલા હોય છે તેવા આ વર્ષે ૮.૩૭ લાખ વિદ્યાર્થીઓ છે.આ વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન હેઠળ પ્રો રેટા પદ્ધતિ મુજબ પરિણામ તૈયાર કરવામા આવશે.જો કે સરકાર કોવિડની ખાસ સ્થિતિમા માસ પ્રમોશનની જાહેરાત કરી હોવાથી પ્રો રેટા મુજબ પણ ધો.૯-૧૦માં વિદ્યાર્થી નાપાસ થતો હશે તો પણ કૃપા ગુણથી પાસ જાહેર કરી દેવાશે.
બોર્ડે જાહેર કરેલી સૂચના-નિયમો
– ધો.૧૦ની પ્રથમ સત્ર અને એકમ કસોટ ીસાથે ધો.૯ની બંને સત્રની પરીક્ષાના માર્કસ પ્રો રેટા મુજબ ગણાશે
-નિયમિત વિદ્યાર્થી માટે ૩૩ ટકાએ પાસ થવાના સ્ટાન્ડર્ડમાં ૮૦માંથી ૨૬ અને સ્કૂલના ૨૦માંથી ૬ ગુણ લાવવાના રહેશે
–બોર્ડના નક્કી ચાર માપદંડો મુજબ એક માપદંડ પુરો ન થાય કે પરીક્ષા નહી આપી હોય કે ૩૩ ટકા ગુણન હોય તો પણ ગુણ તુટ ક્ષમ્ય ગણી બોર્ડ પોતાની રીતે કૃપા ગુણથી પાસ જાહેર કરશે
-ધો.૧૦ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકર્ડની જવાબદારી શાળા આચાર્યની રહેશે.
-સ્કૂલે તૈયાર કરેલ પરિણામનો રેકોર્ડ અને લીધેલ આધારોને રેકોર્ડ પાંચ વર્ષ સુધી રાખવાનો રહેશે
-દરેક સ્કૂલે પરિણામના આધાર માટે લીધેલ ડોક્યુમેન્ટ કે આધાર પર સ્કૂલ રિઝલ્ટ સમિતિના સભ્યોની સહી લેવાની રહેશે.
-બોર્ડ કે ડીઈઓ તમામ રેકોર્ડ-ડોક્યુમેન્ટ ત્યારે વેરિફિકેશન માટે આપવના રહેશે
– દરેક સ્કૂલે પરિણામના આધારોની પ્રમાણિત નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવાની રહેશે
-બોર્ડ દ્વારા દરેક ડીઈઓ પાસે સ્કૂલે ઉપયોગમાં લીધેલા પરિણામના રેકોર્ડ-દસ્તાવેજોની ખરાઈ કરાવવામા આવશે.
-બોર્ડની સૂચના મુજબ પરિણામ તૈયાર ન કરનારી સ્કૂલ સામે પગલા લેવાશે
-માસ પ્રમોશનથી જાહેર કરવાના હોવાથી પુરક પરીક્ષા નહી લેવાય
– બોર્ડ દ્વારા મુખ્ય જાહેર પરીક્ષા ન લેવાઈ હોઈ અને તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોવાથી ગુણ ચકાસણી આ વર્ષે નહી થાય
– માસ પ્રમોશન હેઠળ પાસ જાહેર કરવાના હોવાથી દિવ્યાંગ વિદ્યાર્થી માટે હાલની જોગવાઈ મુજબ દરેક વિષયમાં ૨૦ ટકા મુજબનું પાસિંગ સ્ટાન્ડર્ડ રહેશે.૨૦થી ઓછા ગુણ માટે ગુણ તટ ક્ષમ્ય ગણાશે
માસ પ્રમોશનના નિયમોથી શું નુકશાન
-સંપૂર્ણપણે માત્ર સ્કૂલોની પરીક્ષા આધારીત પરિણામ અને આચાર્યને સત્તાથી ભેદભાવ-પૂર્વગ્રહ સાથે ગેરરીતિ યુક્ત પરિણામ બની શકે
-કોરોનાને લીધે ધો.૧૦ની પ્રથમ સત્ર પરીક્ષા અમદાવાદ સહિતના મુખ્ય આઠ શહેરોમાં જ ઓનલાઈન -ઘરબેઠા થઈ હોવાથી પરિણામ યથાર્થ નહી બને
-એક વર્ષથી મહેનત કરનારા અને ધો.૧૧ સાયન્સમાં જવા માંગતા હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થશે.
-હજારો સ્કૂલોના લાખો વિદ્યાર્થીઓનું પરિણામ-રેકોર્ડનું ડીઈઓ કક્ષાએ કઈ રીતે વેરિફિકેશન થશે?
-આચાર્યને તમામ સત્તા અને પરિણામ સમિતિ પણ સ્કૂલે જ બનાવવાની હોવાથી બોર્ડનું મોનિટરિંગ કંઈ જ નહી રહે,સમિતિમાં બાહ્ય સભ્ય કે શિક્ષક ન હોવાથી બાહ્ય મૂલ્યાંકન જ નહી થાય.
-મોટા ભાગની ગ્રામ્ય સ્કૂલો-ખાનગી સ્કૂલોમાં એકમ કસોટીઓ થઈ જ ન હોવાથી પરિણામમાં ગોટાળા થઈ શકે છે
-સંપૂર્ણપણે કૃપા ગુણ-માસ પ્રમોશનની જોગવાઈથી પરિણામ ૯૫ ટકાથી ઉપર જશે અને લાખો ૭થી૮ લાખ વિદ્યાર્થીઓ પાસ થશે.