ગાંધીનગર : ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થાય તેવી સંભાવના છે. ઘણાં લાંબા સમયથી પડતર રહેલી બદલીના ઓર્ડર ટૂંકસમયમાં થાય તેવી અટકળો સચિવાલયમાં તેજ બની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વહીવટી તંત્રમાં 70થી વધુ આઇએએસ અને બે ડઝન કરતાં વધુ આઇપીએસ ઓફિસરોની બદલીઓ તોળાઇ રહી છે.
રાજ્યના મહત્વના વિભાગોમાં સિનિયર ઓફિસરોની બદલી થઇ શકે છે. ઉદ્યોગ વિભાગમાં હાલ પુરતા કોઇ ફેરફારો થાય તેવી સંભાવના નથી પરંતુ મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવી રહેલા પંકજકુમારને નાણા વિભાગનો હવાલો મળે તેવી અટકળો ચાલી રહી છે. તેમને હોમ વિભાગમાં પણ યથાવત રાખવામાં આવે તેનો ઇન્કાર થઇ શકતો નથી.
બીજી તરફ અત્યારે શહેરી વિકાસમાં ફરજ બજાવી રહેલા અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની બદલી મહેસૂલ વિભાગમાં થાય તેમ મનાય છે જ્યારે તેમની જગ્યાએ ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારી સુનયના તોમર સાથે બીજા ત્રણેક નામો ચર્ચાઇ રહ્યાં છે. જો પંકજકુમારને ફાયનાન્સ વિભાગમાં મૂકવામાં આવે તો હાલના ઉચ્ચ અધિકારી પંકજ જોષીને ગૃહ વિભાગમાં નિયુક્ત કરવામાં આવી શકે છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ ડો. જ્યંતિ રવિની નિયુક્તિ તામિલનાડુમાં થઇ હોવાથી તેમની ખાલી પડનારી જગ્યાનો સંપૂર્ણ હવાલો જેપી ગુપ્તાને સોંપાય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. જેપી ગુપ્તા હાલ જીએસટી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
બદલીની મોસમમાં શ્રમ અને રોજગાર, ટુરિઝમ, પંચાયત, ઉર્જા, સામાન્ય વહીવટ વિભાગ, રમતગમત વિભાગ, નર્મદા અને જળસંપત્તિ, કૃષિ અને સહકાર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અન્ન અને નાગરિક પુરવઠો અને શિક્ષણ સહિતના વિભાગોના ઓફિસરોનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર સચિવાલયના વિભાગો ઉપરાંત બોર્ડ-કોર્પોરેશનના વહીવટી તંત્રમાં પણ ફેરફાર કરી શકે છે.
એટલું જ નહીં, શહેરોમાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને ડીડીઓની યાદી પણ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. વહીવટી તંત્રની જેમ પોલીસ તંત્રમાં પણ મોટા બદલાવ આવી રહ્યાં છે જેમાં જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનર અને પોલીસ ભવનના વિભાગોના અધિકારીઓમાં ફેરબદલ નિશ્ચિત માનવામાં આવે છે.