ગાંધીનગર: ગુજરાત ST નિગમના નવનિર્મિત નવ બસ સ્ટેશન- ડેપો- વર્કશોપનું ઇ-લોકાર્પણ તેમજ પાંચ બસસ્ટેશન અને ડેપો વર્કશોપના ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વેક્સીનને લઇને જણાવ્યું હતું કે અમારી પાસે ઘણી માહિતી આવી છે. જેમાં વિપરિત પરિસ્થિતિમાં કેટલાક સમાજ જ્ઞાતિ અને વર્ગમાં અંધશ્રદ્ધાના કારણે વેક્સીન લેતા નથી.
કેટલાક લોકોએ અફવા ફેલાવી છે કે વેક્સીન લેવાથી તકલીફ થશે. અહીંયા દર્શન કરો અથવા તો બાધા રાખો જેથી કોરોના થશે નહી. આવી અફવા અને અંધશ્રદ્ધાના લીધે લોકો વેક્સીન લેતા નથી. આ બધી અફવાઓ ઓછા સમજુ અને ધાર્મિક રીતે વેક્સીનને બીજી રીતે જોતા હોય તેના આધારે આવી કાનભંભેરણી કરે છે. આ અપ્રચાર કરનાર લોકો સામે કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સતત રજુઆત કરતાં વેક્સીનનો જથ્થો વધુ મળી રહ્યો છે. હવે ભારત સરકારે વધુ જથ્થો આપતાં રાજ્યના તમામ જિલ્લામાં 18 થી 45 વર્ષના લોકોનું વેક્સીનેશન કરવામાં આવશે. આમ, રાજ્યમાં દરરોજ ૩ લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે.
નિતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓક્સિજનના લીધે મ્યુકોરમાઇકોસિસ કેસ વધ્યા હોવાનું કોઇ વૈજ્ઞાનિક તારણ ધ્યાનમાં આવ્યું નથી. પરંતુ અનેક દર્દીઓ સ્વસ્થ્ય થઇને ઘરે ગયા છે.