ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે. બે વર્ષનો સમયગાળો 7 જાન્યુઆરી 2021થી ગણવામાં આવશે. એ જ દિવસે ટ્રમ્પનું અકાઉન્ટ પ્રથમ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ફેસબુકના વાઇસ-પ્રેસિડેન્ટ (ગ્લોબલ અફેર્સ) નિક ક્લેગએ શુક્રવારે એક બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી.

ટ્વિટર દ્વારા ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ લગાવાયો છે
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો બાદ 6 જાન્યુઆરીએ યુ.એસ. સંસદ કેપિટલ હિલની બહાર હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ટ્રમ્પ પર તેમના સમર્થકોને ઉશ્કેરવાનો આરોપ મુકાયો હતો. આને કારણે બીજા જ દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ ફેસબુક સહિતનાં અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહી કરી. ફેસબુકની પોતાની કંપની ઇન્સ્ટાગ્રામે પણ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. બીજી તરફ ટ્વિટરે ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા કંપનીઓની કાર્યવાહી બાદ ટ્રમ્પનો જવાબ પણ આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી વખતે સોશિયલ મીડિયા કંપનીઓના CEOsને ડિનર પર નહીં બોલાવે. ટ્રમ્પે કહ્યું હતું કે ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ અને તેમનાં પત્નીની સાથે હવે વ્હાઇટ હાઉસમાં ડિનર નહીં થાય. તેઓ ફક્ત બિઝનેસ વિશે જ વાત કરશે. આ પછી ઝકરબર્ગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને અમારી સેવાઓનો ઉપયોગ કરવા દેવો એ આ સમયે એક મોટું જોખમ છે.