પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં 2 ટ્રેન સામસામે અથડાવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં 30થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 50 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.
મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થયેલી આ અથડામણમાં મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી શક્યતા છે કારણ કે અનેક લોકો હજુ પણ બોગીઓમાં ફસાયેલા છે. જાણવા મળ્યા મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ ઘોટકી પાસે અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડી હતી અને સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ સાથે તેની અથડામણ થઈ હતી. આ કારણે મિલ્લત એક્સપ્રેસની 8 અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત 4 બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ હતી.
વહેલી સવારે 3:45 કલાકે આ દુર્ઘટના બની હતી જ્યારે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. દુર્ઘટનાના 4 કલાક બાદ પણ કોઈ અધિકારી ઘટના સ્થળે નહોતા પહોંચ્યા અને હેવી મશીનરી પણ નહોતી પહોંચાડાઈ. ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટ્રેન કાપવી પડશે પરંતુ અકસ્માતના અનેક કલાકો બાદ પણ મોટા મશીનો ત્યાં નહોતા પહોંચ્યા. જ્યારે ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા લઈ જવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાના કારણે અનેક ટ્રેનના પરિવહનને અસર પહોંચી હતી.