જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્નીને આંતરી લઇ પતિએ છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હોવાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે. બંને વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંજામ હત્યાથી આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

પતિએ છરી વડે હુમલો કરી પત્નીનું ઢીમ ઢાળી દીધું
જામનગરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતી 40 વર્ષની નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામની મહિલા આજે સવારે પોતાની નાના થાવરિયા ગામે આવેલી શાળાએ નોકરી પર જતી હતી. ત્યારે પાછળથી આવીને તેના પતિએ આંતરી લીધી હતી. નીતાબેન કંઈ સમજે એ પૂર્વે જ પતિએ છરી વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. પતિએ કરેલા એકાએક હુમલામાં અને છરીના બે-ત્રણ પ્રહાર શરીરના ભાગે થઇ જતાં પત્ની ઘટનાસ્થળે જ ફસકી પડી હતી અને મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું સામે આવ્યું
આ ઘટનાને અંજામ આપી પતિ નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસ દફતરનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પતિએ જ પત્નીની હત્યા નીપજાવી હોવાનું સામે આવતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા પતિને દબોચી લીધો હતો. આ ઘટના પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસની તપાસમાં ઘટના પાછળનું સત્તાવાર કારણ બહાર આવશે.