મરાઠા અનામત આંદોલન મુદ્દો ફરી ગરમાયો, સંભાજી રાજેએ કરી આંદોલનની તારીખની ઘોષણા

મરાઠા અનામત બાબતે આંદોલન શરુ થવાના એંધાણ સંભળાઈ રહ્યા છે. સાંસદ સંભાજી રાજે ભોસલેએ અંતે રાયગઢથી મરાઠા અનામત આંદોલનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે મરાઠા આરક્ષણ માટે પ્રથમ મોરચો 16 જૂનથી હાથ ધરવામાં આવશે. આ મોરચો કોલ્હાપુરથી છત્રપતિ શાહૂ મહારાજની સમાધિથી શરૂ થશે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 348 મી વર્ષગાંઠ પ્રસંગે રાયગઢના કિલ્લા ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સાંસદ સંભાજી રાજેએ મરાઠા અનામત માટે આંદોલનની જાહેરાત કરી.

તેમણે કહ્યું કે જે છત્રપતિ શાહૂ મહારાજે સમાજના કમજોર લોકોને આરક્ષણ આપ્યું હતું, તેમના જ કોલ્હાપુરમાં તેમની સમાધિથી આંદોલનની શરૂઆત થશે. તેમણે કહ્યું કે મરાઠા આરક્ષણ મુદ્દે એકબીજા પાર આરોપ પ્રત્યારોપનો ખેલ શરુ છે. પણ આરક્ષણ માટે કોઈ કંઈ નથી કરી રહ્યું. તમે અત્યાર સુધી મારી ધીરજ જોઈ, પરંતુ હવે જે થશે તે થવા દો. હું મૃત્યુ પામીશ તો પણ ચાલશે પરંતુ મરાઠા સમાજને ન્યાય અપાવ્યા વગર પાછો નહીં પડું.

શાહુ મહારાજની સમાધિથી પ્રથમ મોરચો

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ 16 જૂને શાહુ મહારાજની સમાધિથી મોરચાની શરૂઆતની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે લોક પ્રતિનિધિને પૂછવામાં આવશે કે મરાઠા સમાજને ન્યાય આપવા માટે તમે અત્યાર સુધી શું કર્યું છે? કોવિડનો અંત આવ્યા પછી પણ જો સરકાર કંઇ કરશે નહીં, તો સંભાજી રાજે સમસ્ત મરાઠા સમાજ સાથે મુંબઇ સુધી લોંગ માર્ચ કરશે. સંભાજીએ કહ્યું કે જો તેઓ મરાઠા સમાજ પર લાઠીચાર્જ કરશે તો તેઓ પોતે પહેલી લાકડી ખાશે. સંભાજીએ સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે આ માર્ચમાં લાખો મરાઠાઓ ભાગ લેશે.

કોણ સાચું, કોણ ખોટું, તેનાથી મારે કંઈ લેવાદેવા નહીં

સંભાજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને એમ કહીને રદ કરી દીધું છે કે મરાઠા સમાજ સામાજિક રીતે પછાત નથી. તેથી મરાઠા સમાજને SEBC ની કેટેગરીમાં રાખી શકાય નહીં. તેથી, આ હેઠળ મરાઠા સમાજને અનામત આપી શકાય નહીં. પરંતુ મારી લડત 30 ટકા પ્રખ્યાત શક્તિશાળી મરાઠાઓ માટે નથી, પરંતુ 70 ટકા ગરીબ મરાઠા સમાજ માટે છે.

પાછલી સરકારના લોકોનું કહેવું છે કે હાલની ઠાકરે સરકારે મરાઠા સમાજનો પક્ષ યોગ્ય રીતે કોર્ટ સમક્ષ મૂક્યો નહોતો. હાલની સરકારનું કહેવું છે કે અગાઉની સરકારે મરાઠા આરક્ષણ આપ્યું હતું તે કાનૂની આધાર નક્કર નહતું, તેથી તે કોર્ટમાં ટકી શક્યું નહીં. આ આક્ષેપોની શરૂઆત છે. અમને ન્યાય જોઈએ છે. કોણ સાચું છે અને કોણ ખોટું તેની અમને પરવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *