સુરતના મહિધરપુરામાં ખ્યાતનામ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા 10 વર્ષ પહેલાં નવસારી જિલ્લામાં રહેતા 100થી વધુ લોકોને પાનકાર્ડ, રિટર્ન ભરી આપવાની લાલચ આપીને તેમના નામે કરોડોના વ્યવહાર કરી રહ્યા હોવાનું નવસારીના જાગૃત નાગરિક અને એડવોકેટના ધ્યાને આવતા આ ટેક્સ કન્સલ્ટન્ટ સામે ટેક્સ ચોરી, બ્લેક મનીને વ્હાઇટ કરતા હોય ઇન્કમટેક્સ વિભાગને ગેરમાર્ગે દોરતા હોય તેમના વિરુદ્ધ મુખ્યમંત્રી સહિત પોલીસ વિભાગમાં ફરિયાદ કરતા ચકચાર મચી ગઇ છે.
નવસારીના ફાલ્ગુનીબેને મુખ્યમંત્રીને ટેક્સચોરી કરતા સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ સામે વર્ષ-2010થી નવસારીના ગરીબ નાગરિકોના નામે બેંક ખાતા ખોલી બેનામી વ્યવહાર કરતા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવ્યું કે સુરતમાં મહિધરપુરામાં ટેક્સ કન્સલન્ટનું કામ કરતી પેઢીના સંચાલક દ્વારા વર્ષ-2010માં નવસારીમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને એક એજન્ટ દ્વારા મફતમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરી આપવા અને ટીડીએસની રકમ વાર્ષિક રૂ. 2500 આપવાની લાલચે પાનકાર્ડ, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા માંગવામાં આવ્યાં હતા.
આ દસ્તાવેજોને આધારે સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા ઈંડિવિજીયલ અને એચ.યુ.એફ. એમ બે પાનકાર્ડ બનાવાયા હતા અને બોગસ રિટર્ન ભર્યા હતા. નવસારીમાં રહેતા લોકોને નામે નાણાંકીય વ્યવહાર થતા હોય તેની જાણ તેમને થતી નથી. આશરે 100થી વધુ નવસારીના મૂળ રહીશોના ખાતામાં 30 થી 90 લાખ સુધીની રકમો ખાતામાં જમા થઈ છે. આ બાબતે તપાસ થાય તો નવસારીમાં કાચા ઘરોમાં રહેતા લોકોને ખાતામાં લાખોની હેરફેર થાય છે પણ તેની જાણ નથી. આ બધા ખાતાની પાસબુક સહિત ડિજીટલ દસ્તાવેજો સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ અને તેમના પરિવારના નામે છે. આ બાબતે પોલીસ અને મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં રહેતા લોકોના બેંક એકાઉન્ટ સુરતની બેંકમાં ખોલી બારોબાર નાણાંકીય વ્યવહારનું કૌભાંડ બહાર આવતા હજુ તેમાં કેટલાય લોકો સંડોવાયેલા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. પોલીસ જો આ સમગ્ર પ્રકરણમાં તલસ્પર્શી તપાસ કરે તો સરકારને ચૂનો ચોપડનારાઓનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.
MOU કરાર પણ કરાયા હતા
જેમના નામે દસ્તાવેજો હતા, તેમની સાથે આ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. તેમને ટીડીએસની રકમ ભરવા બાબતે આ એમઓયુના કરાર થયા હતા. આ ઘટનામાં નવસારીમાંથી 150થી વધુ લોકોના દસ્તાવેજોથી સુરતની વિવિધ બેકોમાં ખાતા ખૂલ્યાં છે.
10 વર્ષથી ખૂલેલા ખાતા અંગે મહિલા અજાણ
નવસારીમાં રહેતી એક મહિલાને લોનની જરૂર હોવાથી ટાવર વિસ્તારમાં આવેલી એક બેંકમાં ગયા હતા. તેમના દસ્તાવેજો જોતા બેંકના અધિકારીએ જણાવ્યું કે તમારા નામે સુરતની બેંકમાં ખાતું છે અને તેમાં સવા કરોડથી વધુ રૂપિયા જમા છે તો લોન શા માટે લો છો ? આ મહિલાએ જણાવ્યું કે અમારું ખાતું નથી, ત્યારબાદ દસ્તાવેજો ચેક કર્યા બાદ 10 વર્ષ અગાઉ કોઈને ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું આ મહિલાએ જણાવતા કૌભાંડ ખૂલ્યું હતું.