અમદાવાદ : કોરોનાએ અનેક પરિવારો માટે આર્થિક સમસ્યા સર્જી છે. આવા તબક્કામાં નોકરી મેળવવા માટેના પ્રયાસ કરનારાં યુવકોની સંખ્યા મોટી છે. બીજા રાઉન્ડ પછી ધંધા-રોજગાર શરૂ થયાં છે ત્યારે નોકરી અપાવવાના બહાને ઓનલાઈન ચિટિંગના કિસ્સા બનવા લાગ્યાં છે.
એ જ રીતે કોલેજમાં પ્રવેશના નામે ઓનલાઈન ચિટિંગ કરવામાં આવતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે સતર્ક રહેવા તાકીદ કરી છે. કોરોનાથી અનાથ થયેલા બાળકને દત્તક લેવા તેમજ દાન આપવા અંગેની લિન્ક સોશિયલ મિડિયા પર મુકવામાં આવે છે તે પણ સાયબર ક્રાઈમ છે.
કોરોનાના સમયગાળામાં લોકો સોશિયલ મિડિયા અને ઈ-બેન્કિંગ તરફ વળ્યાં છે તે સાથે ઈ-ચિટિંગના બનાવો પણ વધ્યાં છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ ઈ-ચિટિંગની પધૃધતિઓ સામે નાગરિકોને જાગૃત કરે છે ત્યારે ચિટરો નવી-નવી પધૃધતિએ લોકો સાથે છેતરપિંડી કરે છે. આવી પધૃધતિઓ સામે સતર્ક રહી લોકો પોતાની બચતના નાણાં બચાવી શકે છે.
કોરોનાના સમયગાળામાં નોકરીવાંચ્છુઓ સાથે છેતરપિંડીની જાળ બિછાવવામાં આવે છે. સોસાયટી મિડિયા પર મોટા પગારવાળી નોકરીની લાલચ આપી ટ્રેનિંગ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવે છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટિપ્સ આપી છે કે, ચિટિંગનો ઈરાદો હોય તેવી ઓનલાઈન નોકરીની જાહેરાતમાં આકર્ષક પગારની ઓફર કરવામાં આવે છે. કામચલાઉ ઓફિસ રાખીને ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે.
બાદમાં, પસંદગી થઈ હોવાની જાણ કરીને પૈસા જમા કરાવવાનું કહેવાય છે. પૈસા જમા કરાવો એટલે અઠવાડિયા પછી ટ્રેનિંગ શરૂ થશે તેમ કહી ઉમેદવારને રવાના કરી દેવાય છે. અઠવાડિયા પછી મોબાઈલ ફોન બંધ કરી દેવાય છે. ટ્રેનિંગના નામે પૈસા તફડાવી લેવાય છે અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચિટરો ઓફિસ બંધ કરી રફૂચક્કર થઈ જાય છે.
કોરોનાના કારણે દોઢ વર્ષથી ઠપ્પ થયેલું શિક્ષણ કાર્ય ફરી શરૂ થઈ રહ્યું છે ત્યારે કોલેજ પ્રવેશની છેતરામણી લિન્ક મોકલીને છેતરપિંડી કરાય છે. વિદ્યાર્થીઓને કોલેજમાં ઓનલાઈન પ્રવેશ અપાવતી લિન્ક સાઈબર ગુનેગારો વાઈરલ કરે છે.
વોટ્સ-એપ કે એસએમએસથી મોકલવામાં આવતી આવી શંકાસ્પદ લિન્ક ઉપર ક્લિક કરવાથી પૈસાનું જોખમ સર્જાઈ શકે છે. આવી છેતરપિંડીથઈ બચવા કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની વ્યક્તિગત માહિતી ઓનલાઈન વેબસાઈટ પર ૅભરવી ન જોઈએ તેવી સલાહ સાયબર પોલીસ આપે છે.
કોરોના કાળમાં બાળકોને દત્તક લેવાની તેમજ અનાથ બાળકો માટે દાન એકત્ર કરવાની જાહેરાતો પણ સોશિયલ મિડિયા પર મુકવામાં આવે છે. આવી જાહેરાતો સોશિયલ મિડિયા પર મુકવી એ પણ ગુનો હોવાનું ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચ કહે છે.
અનેક બાળકોને દત્તક લેવા કે તેમના માટે દાન એકઠું કરવાની સોશિયલ મિડિયા પર જાહેરાત મુકવી એ સજાપાત્ર ગુનો છે. નિરાધાર બાળક અંગે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવા કહે છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન માસ્ક, ગ્લવ્સ, ઓક્સિજનના બહાને છેતરપિંડીના ઈ-ચિટિંગ પણ થયા છે.
સરકારી નોકરીના બહાને નોકરીવાંચ્છુઓ સાથે ઈ-ઠગાઈ કરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. ગુજરાતમાં બીજા રાજ્યમાં સક્રિય ટોળકીઓ જુદા જુદા પ્રકારના ઈ-ચિટિંગ કરે છે. સતત બદલાતી ઈ-ચિટિંગની પ્રવૃત્તિ કરનારાં તત્વોને ઝડપી લેવા પોલીસ સક્રિય છે. પરંતુ, નાગરિકો સતર્કતા બતાવે તો પોતાના પૈસા આસાનીથી બચાવી શકે છે.