કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચીને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ
ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉદ્ધવે જણાવ્યુ હતું કે વડાપ્રધાને અમારા દરેક મુદ્દાને ધ્યાનથી સાંભળ્યા છે અને ગંભીરતા સાથે વિચાર કરવાની વાત જણાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદી સાથે મરાઠા અનામત, રાજનીતિક અનામત, મેટ્રો શેડ, GST કલેકશન,ક્રોપ ઇન્શ્યોરન્સ, સાઈક્લોન સહિતના અન્ય મુદાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે દ્વારા માંગ કરવામાં આવી હતી કે મરાઠી ભાષાને કેન્દ્ર તરફથી સ્ટેટસ આપવામાં આવે. ઉદ્ધવે જણાવ્યુ હતું કે દરેક વિષયો બાબતે અમે વડાપ્રધાનને પત્ર સોંપ્યો હતો.
મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેની અચાનક મુલાકાત બાબતના સવાલ પર તેમણે જણાવ્યુ હતું કે જો તેઓ વડાપ્રધાન સાથે મળવા માંગે છે. તેમાં ખોટું શું છે? તેઓ કોઈ પરવેજ મુશર્રફ કે નવાઝ શરીફ તો નથી. ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે આકે અમે ભલે તેમનાથી અલગ છીએ પરંતુ તેમની સાથે અમારા સંબંધ પહેલા પણ રહ્યા છે.
મરાઠા અનામત મુદ્દે રાજ્ય સરકારના અશોક ચૌહાણે જણાવ્યુ હતું કે આનામત મામલે રાજ્યો કરતાં વધુ શક્તિ કેન્દ્ર પાસે છે, એવામાં કેન્દ્ર સરકારે આ મુદ્દે આગળ આવીને પગલાં ભરવા જોઈએ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ તમામનો પક્ષ રાખવો જોઈએ. કોરોનાની મુશ્કેલી હોય કે વેક્સિનેશન બાબત, GST કલેકશનની વાત હોય કે પછી મરાઠા અનામત પર હાલમાં જ આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય સહિત બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
અનામત મુદ્દો માત્ર મહારાષ્ટ્રનો જ નથી, પરંતુ દેશનો
પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યુ હતું કે અનામત મુદ્દો માત્ર મહારાષ્ટ્રનો જ નથી, પરંતુ દેશભરનો છે, આ ઉપરાંત GST બાબતે કહ્યું હતું કે અમારા 24 હજાર કરોડ રૂપિયાનો હિસ્સો અમને મળવાનો બાકી છે, તે વહેલી તકે અમને આપવામાં આવે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હીની મુલાકાતે છે. કોરોના મહામારીના આ સમયગાળામાં વેક્સિનનો અભાવ, સંક્રમણની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી, મરાઠા અનામત અને ચક્રવાત રાહત માટે આર્થિક સહાય જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ બીજી વખત વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. શક્યતા છે કે ઉદ્ધવ વાવાઝોડાને કારણે થયેલા નુકસાન પર મોદી પાસેથી મહારાષ્ટ્ર માટે 1000 કરોડ સહાયની માગ કરી શકે છે.
PM સાથેની આ બેઠક પૂર્વે CM મોડી સાંજે NCPના પ્રમુખ શરદ પવારને મળ્યા છે. 15 દિવસમાં બંને નેતાઓની આ બીજી બેઠક છે. આ બેઠક અંગે મંત્રી એકનાથ શિંદેએ કહ્યું, ‘વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલાં ઉદ્ધવ ઠાકરે શરદ પવારને મળ્યા અને મરાઠા અનામત સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી.

નાયબ મુખ્યમંત્રી પવાર અને અશોક ચૌહાણ પણ સાથે
સીએમ ઠાકરેની સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, મરાઠા અનામત માટેની પેટાસમિતિના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અશોક ચૌહાણ પણ હાજર છે. સુપ્રીમ કોર્ટે તેના એક નિર્ણયમાં મરાઠા અનામતના પ્રસ્તાવને નામંજૂર કર્યો છે. આને કારણે ઠાકરે સરકારની મુશ્કેલીઓ વધી છે. હવે ઠાકરે સરકારે આ અનામત મળે એ માટે વડાપ્રધાન મોદીની મદદ માગી છે.
મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા કર્યા પછી અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ ભોંસાલેએ ઠાકરે સરકારને પોતાનો અહેવાલ આપ્યો છે. આ અહેવાલમાં સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર રિવ્યૂ પિટિશન દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે આ પહેલાં મુખ્યપ્રધાન ઠાકરે કેન્દ્ર સરકારને વિશ્વાસમાં લેવા માગે છે, જેથી આ વખતે સુપ્રીમ કોર્ટમાં મજબૂતી સાથે પોતાનો પક્ષ રજૂ કરી શકાય.