સુનિલ છેત્રી ૭૪ આંતરરાષ્ટ્રીય ગોલ સાથે રોનાલ્ડો પછી બીજા સ્થાને

ભારતના આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર ફૂટબોલર સુનિલ છેત્રીએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં બાંગ્લાદેશ સામેની મેચમાં બે ગોલ ફટકારતાં ટીમને ૨-૦થી વિજય અપાવ્યો હતો. આ સાથે છેત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ ફટકારનારા એક્ટિવ પ્લેયર્સમાં ૭૪ ગોલ સાથે પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પછી બીજું સ્થાન હાંસલ કરી લીધું છે.

સૌથી વધુ ગોલ ફટકારનારા એક્ટિવ પ્લેયર્સમાં મેચ શરૃ થયા પહેલા મેસી અને છેત્રી ૭૨-૭૨ ગોલ સાથે બરોબરી પર હતા. જોકે ભારતના દિગ્ગજ ખેલાડીએ બે ગોલ ફટકારીને મેસીને પાછળ રાખી દીધો હતો. આ યાદીમાં ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ૧૦૩ ગોલની સાથે ટોચના ક્રમે છે. જે પછી સુનિલ છેત્રીને ૭૪ ગોલ સાથે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ત્રીજા સ્થાને યુઅએઈનો મલી માબખોઉત ૭૩ ગોલ સાથે છે.

આર્જેન્ટીનાનો મેજિક મેન મેસી ૭૨ ગોલની સાથે ચોથું સ્થાન ધરાવે છે. મેસીએ તેનો છેલ્લો ૭૨મો ગોલ ગત ગુરૃવારે ચિલી સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં કર્યો હતો. જ્યારે યુએઈના માબખોઉતે પણ ગત સપ્તાહે જ મલેશિયા સામેની મેચમાં ગોલ ફટકારતાં કારકિર્દીનો ૭૩મો ગોલ નોંધાવ્યો હતો.

જાસિમ બિન હામિદ સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં છેત્રીએ ૭૯મી મિનિટે ગોલ ફટકારીને ભારતને બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સરસાઈ અપાવી હતી. જે પછી બીજો ગોલ તેણે નિર્ધારિત ૯૦ મિનિટ બાદના ઈન્જરીટાઈમની બીજી મિનિટે નોંધાવ્યો હતો. નોંધપાત્ર છે કે, છેત્રી વર્લ્ડ ફૂટબોલના ઓલટાઈમ ટોપ-૧૦ હાઈ સ્કોરર્સમાં સ્થાન મેળવવાથી હવે એકમાત્ર ગોલ દૂર છે.

છેત્રીના શાનદાર દેખાવને સહારે ભારતે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પહેલી જીત નોંધાવી હતી. આ સાથે ભારતે ૨૦ વર્ષ બાદ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં વિદેશની ભૂમિ પર જીત હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, ભારત વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર ફેંકાઈ ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *