કોરોના કાળમાં ચીનના લોકોએ લાખો ભારતીયો સાથે છેતરપિંડી કરીને તેમના કરોડો રૃપિયા પચાવી પાડયા છે. નકલી ચાઇનીઝ એપ દ્વારા ચીને દેશના લાખો લોકોનો ડેટા ચોરીને તેમને નાણા ડબલ થવાની લાલચ આપીને તેમની સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મોબાઇલ એપ “પાવર બેંક” અને “ઇઝેડ પ્લાન” દ્વારા બે મહિનામાં પાંચ લાખથી વધુ લોકોએ ૧૫૦ કરોડ રૃપિયાથી વધુની રકમ ગુમાવી છે.
દિલ્હી પોલીસના સાયબર સેલે ઇન્ટરનેટ મીડિયા પર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઇ આ રેકેટ સાથે સંકળાયેલા ૧૧ લોકોની ધરપકડ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. છેતરપિંડી કરીને એક્ત્ર કરાયેલા ૧૫૦ કરોડ રૃપિયા પૈકી ૧૧ કરોડ રૃપિયા વિવિધ બેંકોમાં બ્લોક કરી દેવામાં આવ્યા છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ૧૧ લોકોને પકડી પાડયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર સેલની આ સૌૈથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે આ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે અને તેમને ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે પાવર બેંક નામની મોબાઇલ એપે પોતાને બેંગાલુરુની કંપની ગણાવી હતી જો કે આ એપનું સર્વર ચીનમાં આવેલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે સીએનો પણ સમાવેશ થાય છે જેઓ રોકાણ કરાયેલા નાણા મોકલવા માટે નકલી કંપનીઓ બનાવતા હતાં.
આ બંને ચાર્ટડ એકાઉન્ટન્ટે ૧૧૦ શેલ કંપનીઓની રચના કરી હતી. આ કંપનીઓને ચીનના નાગરિકોને બે થી ત્રણ લાખ રૃપિયામાં વેચી દીધી હતા.