એક દશકાથી પબ્લિક રીલેશન સ્પેસમાં કામ કર્યા પછી શગુન ભંસાલી મેહતા પોતાના રૂપિયાને કોઈ ચેલેન્જિંગ કામમાં રોકવા માગતી હતી, પરંતુ ફાઈનાન્સ મામલે તે પોતે પણ અન્ય મહિલાઓની જેમ પોતાના પતિ કે પછી પિતા પર નિર્ભર હતી. શગુને જણાવ્યું કે, બધા એવું કહે છે કે આપણે રૂપિયા યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ. પરંતુ આ યોગ્ય જગ્યા કઈ છે તે કોઈને ખબર નથી. શગુને આ વિશે પોતાના ઘણા મિત્રો સાથે પણ વાત કરી પણ બધા પાસેથી એક જ જવાબ મળ્યો કે, અમને કોઈ ખાસ જાણકારી નથી. ખાસ કરીને મહિલાઓને ફાઈનાન્સ સંબંધિત નોલેજ ઘણું ઓછું હોય છે.
મુંબઈમાં રહીને શગુને પોતાના કામ માટે પ્રથમ ડગલું ભર્યું અને મિસ પિગી બેંક નામનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને બ્લોગ લખવાની શરુઆત કરી. તેઓ મહિલાઓને ફાઈનાન્સ વિશે જાણકારી આપે છે. આ વર્ષે શગુને એપ્રિલ મહિનામાં યુઝર્સ માટે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું જ્યાં તેઓ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ અને પ્લાનર્સથી મહિલાઓને કનેક્ટ કરવાથી લઈને તેમની નાણાકીય તકલીફોનું સોલ્યુશન લાવે છે. શગુનનો પતિ તેને આ કામમાં ઘણી મદદ કરે છે, તે પોતે ફાઈનાન્સિયલ એનાલિસ્ટ છે.
શગુનની ટીમમાં બીજા ચાર લોકો સામેલ થાય છે. યુઝર્સ મિસ પિગી બેંકમાં એપોઈમેન્ટ પણ બુક કરી શકે છે. અહીં તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અને તેઓ પોતાની રીતે આ સિંગલ પોર્ટલથી યોગ્ય સલાહ પણ લઈ શકે છે. શગુનને એક વાતની ખુશી છે કે, એક મહિનાથી પણ ઓછા સમયમાં તેની વેબસાઈટ સાથે 16 ફાઈનાન્સિયલ એક્સપર્ટ જોડાયા છે. આ મહિનાનાં એન્ડ સુધીમાં વધુ 15 લોકો જોડાવાની શક્યતા છે. મિસ પિગી બેંક સાથે જોડાનારી મહિલાઓને શરુઆતના ત્રણ મહિના 2500 રૂપિયા ફી આપવાની હોય છે. ત્રણ મહિના પછી તેઓ કોન્ટ્રેક્ટ રીન્યુ કરાવી શકે છે.