અમદાવાદ : ‘આપ કી હેલ્પ ચાહીએ… 20000 રૂપિયે ચાહિએ અરજન્ટ. કલ રિટર્ન કર દૂંગા.’ આઈપીએસના ફ્રેન્ડસ ગુ્રપમાં મેસેજ કરીને પૈસા માગવામાં આવ્યાની વધુ બે ઘટના બની છે.
અમદાવાદ પોલીસના એડમિનિસ્ટ્રેશન જેસીપી અજય ચૌધરીના નામે તેમના મિત્રો પાસેથી મદદરૂપે પૈસા માગવામાં આવ્યા. એ જ રીતે કરાઈ પોલીસ એકેડમીમાં કાર્યરત એસ.પી. હરીશ દૂધાતના નામનું ડમી એફ.બી. એકાઉન્ટ બનાવીને તેમના મિત્રોને મેસેજ કરીને પૈસા માગવામાં આવ્યાં.
જો કે, બન્ને અિધકારીને મિનિટોમાં જ ‘ચિટિંગના ચેટિંગ’ની ખબર પડી જતાં મિત્રોને સતર્ક કરી દીધાં હતાં. અત્યાર સુધીમાં ગુજરાતના અડધો ડધનથી વધુ આઈપીએસના નામે છેતરવાના પ્રયાસ હરિયાણાની મેવાતી ગેંગ કરી ચૂકી છે. જો કે, અત્યાર સુધી આરોપી પકડી શકાયો નથી.
સિનિયર આઈપીએસ અને અમદાવાદ પોલીસના એડમિનિસ્ટ્રેશન જેસીપી અજય ચૌધરીને તેમના મિત્રનો ફોન આવ્યો કે, સર તમને કોઈ મદદની જરૂર છે? તમે પૈસા માગ્યા હોય તેવો મેસેજ ફેસબૂક પર છે.
મિત્રની વાત સાંભળીને અજય ચૌધરી સતર્ક થઈ ગયાં અને તરત જ તપાસ કરીને પોતાના ઓરિજીનલ ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ મુકી દીધી કે, ‘મારા નામનું કોઈએ ફેક સોશિયલ મિડિયા એકાઉન્ટ બનાવ્યું છે અને તેનાથી કોઈપણ વ્યક્તિ નાણાંકીય વ્યવહાર કરે નહીં તે માટે મેં સાયબર ક્રાઈમમાં જાણ કરી છે.
મારા નામે સોશિયલ મિડિયા એકાઉન્ટથી કોઈ મેસેજ આવે તો કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને તરત સાયબર ક્રાઈમ કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી.’ આઈપીએસ અજય ચૌધરીએ જણાવ્યું કે, આ પ્રકારની ગતિવિધિ અટકાવવા માટે તરત જ મિત્રવર્તુળમાં મેસેજીસ વહેતા કરી દીધાં હોવાથી કોઈને આર્થિક નુકસાન પહોંચ્યું નથી તે સારી બાબત છે. આવા તત્વોને ઝડપી લેવામાં આવે તે માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.
આ જ રીતે કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં એસ.પી. હરિશ દૂધાતનું ડમી ફેસપૂક એકાઉન્ટ બનાવીને તેમના મિત્રો પાસે પણ આર્થિક સહાય માગતા મેસેજ કરવામાં આવ્યાં હતાં.
પ્રોફાઈલ લોક રાખો તો નામનો દૂરૂપયોગ કરનારાથી બચી શકાય : સાયબર ડીસીપી
મોટાભાગના કિસ્સામાં ફેસબૂકમાં મુકવામાં આવેલા ફોટોગ્રાફ અને વિગતોનો દુરૂપયોગ કરીને જ ડમી પ્રોફાઈલ બનાવવામાં આવે છે. અમદાવાદ સાયબર સેલના ડીસીપી અમિત વસાવા કહે છે કે, નામનો દુરૂપયોગ થતો અટકાવવા માટે ફેસબૂકમાં લોક યોર પ્રોફાઈલ ઓપ્શન આવે છે તેનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. પ્રોફાઈલને લોક કરવામાં આવે તો આવા ચિટરને તમારા નામનો દુરૂપયોગ કરી છેતરપિંડી કરે તેવી શક્યતાઓ નહીં જેવી થઈ જાય છે.