કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશભરમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું પણ રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે સરકારે એકવાર ફરીથી રસીકરણના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં કેટલાક લોકો માટે કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને ઓછું કર્યું છે.
વિદેશ જતા લોકોને 28 દિવસમાં મળશે બીજો ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડીને કહ્યું છે કે વિદેશ જતા લોકો માટે કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને ઓછું કરવામાં આવ્યું છે. જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં લોકોએ બીજા ડોઝ માટે 84 દિવસની રાહ જોવી પડશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ વિદેશમાં અભ્યાસ કરતા અને નોકરી કરનારા લોકો 28 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે છે. આ ઉપરાંત ટોકિયોમાં થનારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ખેલ માં ભાગ લેનારા ભારતીય દળના એથલિટ્સ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ 28 દિવસ બાદ લગાવી શકે છે.
2 ડોઝ વચ્ચેના અંતરમાં 3 વાર કરાયો છે ફેરફાર
16 જાન્યુઆરીએ જ્યારે દેશમાં કોરોના રસી મૂકવાની શરૂઆત થઈ હતી ત્યારે કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર 4-6 અઠવાડિયા નક્કી થયું હતું. ત્યારબાદ 22 માર્ચના રોજ તેમા ફેરફાર કરાયો અને અંતર વધારીને 6-8 અઠવાડિયા કર્યું. ત્યારબાદ ફરીથી એકવાર 13મી મેના રોજ કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે અંતર વધારવામાં આવ્યું અને તેને 12-16 અઠવાડિયા કરવામાં આવ્યું.
દેશમાં અત્યાર સુધીમાં 24.6 રસીના ડોઝ અપાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોરોના રસીના 24 કરોડ 60 લાખ 85 હજાર 649 ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશભરમાં 19 કરોડ 85 લાખ 11 હજાર 574 પહેલો ડોઝ અપાયો છે જ્યારે 4 કરોડ 75 લાખ 74 હજાર 75 લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે.