કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રથયાત્રા અંગે નિર્ણય લેવાશે : પ્રદીપસિંહ જાડેજા

કોરોના વાયરસના કારણે અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા ગત વર્ષે તુટી હતી. શહેરમાં ફરવાને બદલે રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ નીકળશે કે નહીં તે અંગે અસમંજસ છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના વાયરસ કાબૂમાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં પણ સ્થિતિ સુધરી છે. જેના કારણે લોકોને આશા બંધિ છે કે આગામી 12 જુલાઇના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની રથયાત્રા નિકળશે.

આ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે જમાલપુરના જગન્નનાથ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજીને રથયાત્રાના આયોજન અંગે ચર્ચા કરી છે. રથયાત્રા કાઢવી કે કેમ? જો કાઢવામાં આવે તો કેવી રથયાત્રા નિકળશે વગેરે બાબતો અંગે ચર્ચા થઇ છે. આ બેઠક બાદ પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રાના આયોજન અંગે મહત્વનું નિવેદન આપ્યુ.  તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાની પરિસ્થિતને જોઈ રથયાત્રાના આયોજન અંગે નિર્ણય લેવાશે.

આ સિવાય તેમણે કહ્યું કે રથયાત્રા પહેલા જે પરંપરાગત જળયાત્રા નિકળે છે, તે યોજાશે. આ જળયાત્રા બને તેટલા ઓછા લોકો અને કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નિકળશે. બીજી બાજૂ જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠક બાદ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. અમદાવાદમાં રથયાત્રાનું આયોજન થાય તે મારી નહીં પણ બધાની લાગણી છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે રથયાત્રા માટેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *