ભાજપ હાઈકમાન્ડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં થઈ રહેલી તાત્કાલિક બેઠકો અંગે ચાલતી અટકળો પર ભાજપે પૂર્ણવિરામ મૂકી દીધું છે. પક્ષના સૂત્રોનું કહેવું છે કે દિલ્હી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કોઈ મતભેદો નથી. રાજકીય વર્તુળોમાં ચાલતી અટકળોથી વિપરિત વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મળી ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલા મુદ્દાઓની સમિક્ષા કરી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓએ એમ પણ કહ્યું કે આ બેઠકોથી યોગી આદિત્યનાથના વિરોધમાં ઉઠનારા અવાજ સામે પણ એક કડક સંદેશ છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, આ બેઠકોનો આશય આગામી ચૂંટણીમાં વિજય મેળવવાની રણનીતિ બનાવવા સાથે રાજ્યમાં નેતૃત્વને એ સંદેશ આપવાનો પણ છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં યોગી જ ચહેરો રહેશે.
છેલ્લા બે દિવસમાં ભાજપના અગ્રણી નેતાઓ વડાપ્રધાન મોદી, પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે બેઠકો થઈ હતી. યોગી આદિત્યનાથે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે લગભગ દોઢ કલાક અને શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે લગભગ એક કલાક સુધી બેઠક કરી હતી.ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસ સ્થાને પણ યોગી આદિત્યનાથે લગભગ દોઢ કલાક સુધી બેઠક કરી હતી.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે ભાજપે આંતરિક મતભેદોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબોલેએ ઉત્તરપ્રદેશની તેમની મુલાકાત પછી આંતરિક અસંતોષ હોવાથી ફીડબેક સેશન માટે ભાજપને ભલામણ કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા બીએલ સંતોષે ગયા સપ્તાહે ઉત્તર પ્રદેશના સાંસદો, ધારાસભ્યો અને મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પક્ષમાં ઊભા થઈ રહેલા આંતરિક અસંતોષની સમિક્ષા કરી હતી અને દિલ્હીમાં મોવડીમંડળને રિપોર્ટ સોંપ્યો હતો.
સૂત્રોએ કહ્યું કે આ બેઠકોનો આશય મુખ્યમંત્રી યોગીમાં વિશ્વાસ દર્શાવવાનો છે. આ ચર્ચાઓના કેન્દ્રમાં કેન્દ્ર સરકારની યોજનાઓના પાલન અને રાજકીય તથા જાતિગત સમીકરણ પણ છે. આ બેઠકોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેની રૂપરેખાને અંતિમ રૂપ અપાયું છે. પક્ષના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચેની મુલાકાત દરમિયાન વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં કેન્દ્રીય યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધારવા પર ચર્ચા થઈ હતી. બેઠકોમાં યોગીએ કોરોના મહામારી દરમિયાન તેમની સરકારના કામો અંગે પણ માહિતી આપી હતી.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષ ૨૦૨૨ના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના ખરાબ દેખાવો પછી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી મારફત ભાજપની મોટી પરીક્ષા થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૪૦૩ બેઠકો છે તો લોકસભામાં અહીંથી ૮૦ સાંસદો ચૂંટાઈને દિલ્હી પહોંચે છે.