આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ 11થી 16 જુન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ વરસવાની શક્યતા. જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે.
ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગવના વિસ્તારો અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો સોમવાર સુધીમાં કચ્છને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
સમગ્ર દેશની વાત કરીએ તો ચોમાસુ માત્ર આઠ દિવસમાં અડધાથી વધુ દેશમાં સક્રિય થઈ ગયું છે. સામાન્ય રીતે અડધા દેશને આવરી લેવામાં બે અઠવાડિયા લાગશે. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં 44.5 મીમી એટલે કે લગભગ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરતા 21 ટકા વધુ છે.
ચોમાસુ આગામી બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જશે. શુક્રવારે ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને બંગાળના વધુ વિસ્તારોમાં પહોંચ્યુ છે. ચોમાસાની ઉત્તરીય સીમા દિવ, સુરત, રાયસેન, દમોહ, ઉમરિયા, પૂરી અને કૃષ્ણાનગર માદલા સુધી પહોંચ્યું છે. 13 જુન સુધી ગુજરાત, મધ્યપ્રદેશના કેટલા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢના બાકીના વિસ્તારો અને સંપૂર્ણ બંગાળ, ઝારખંડ અને બિહાર સુધી ચોમાસુ પહોંચી જશે.
અમદાવાદમાં ગઈકાલે અસહ્ય ઉકળાટનું પ્રમાણ યથાવત્ રહ્યું અને ૪૦ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૯% હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.