Electric Vehicle : ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર થશે સસ્તા, કેન્દ્ર સરકારે સબસિડી વધારવાની કરી જાહેરાત

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (Two Wheeler) માટે સબસિડી વધારવાની જાહેરાત કરી છે. જે મુજબ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે સબસિડી (Subsidy) વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી છે, જે અગાઉના સબસિડી દર કરતા 5,000 પ્રતિ kwh જેટલી વધારે છે.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન (Encouragement) આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી હવે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ સસ્તા થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કેવડિયાને સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનોનું શહેર બનાવવવાનો નિર્ણય કર્યો છે, જેના લીધે કેવડિયા દેશનું પહેલું શહેર હશે જ્યાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનો જ જોવા મળશે.

સરકારનાં આ નિર્ણયથી એવા ગ્રાહકોને મદદ મળશે જેઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે છે. મહત્વપૂર્ણ છે કે, ભારતની સૌથી ઝડપથી વિકસતી મેન્યુફેક્ચરિંગ કંપની “એથર એનર્જી” (Ether Energy) એ એવી પહેલી કંપની છે, જેમણે તેના ગ્રાહકોને વધતી સબસિડીના ફાયદાઓ આપવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેના 450X ઇલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter) કિંમતમાં ઘટાડો કર્યો છે, જેના કારણે 450X સ્કૂટર પહેલા કરતાં 14,500 રૂપિયા સસ્તુ થશે.

એથર એનર્જીના સીઇઓ (CEO) અને સહ-સ્થાપક તરુણ મહેતાએ (Tarun Maheta) જણાવ્યું હતું કે, “ફેમ-2 (Fame-2) પોલિસીમાં સુધારો કરાતા સબસિડીમાં પ્રતિ Kwh માં 50% નો વધારો નોંધાયો છે, કોરોનાની મહામારી હોવા છતાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનાં વેચાણમાં વધારો થયો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નવી સબસિડીનાં કારણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ બજારમાં જરૂરથી  વિક્ષેપિત થશે.

કોને મળશે આ સબસિડીનો લાભ

તમને જણાવી દઈએ કે, ફક્ત પસંદ કરેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને જ ફેમ 2 (Fame-2) યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળશે. આ લાભ માટે કેટલીક શરતો છે જેમાં, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં ઓછામાં ઓછી 80 કિ.મી.ની ડ્રાઇવ રેન્જ (Drive Range) હોવી જોઈએ અને મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ. આ સિવાય પૂર્ણ ચાર્જિંગ (Charging)  માટે જરૂરી એનર્જી (Energy) મહત્તમ 8 એકમ જેટલી હોવી જોઈએ, ઉપરાંત વાહનનો 75 % ભાગ સ્વદેશી હોવો જોઈએ.

મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં વાહનોમાં થયેલ વધારાને કારણે હવાનાં પ્રદુષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આશા રાખીએ કે, આ સબસિડીને કારણે લોકો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે, જેનાથી પ્રદુષણમાં ઘટાડો થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *