નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી પાવર બેંક અને ઈઝેડ પ્લાન નામની એપ્લિકેશન થકી કરોડોની છેતરપિંડી કેસમાં સંડોવાયેલ આરોપીઓને અડાજણ ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ બેંગ્લોર સીટી ખાતે પણ ગુનો નોંધાયો હોવાથી હાલ કબ્જો સીઆઇડી સાયબર ક્રાઇમ બેંગ્લોર પોલીસને સોંપવામાં આવ્યો છે. અત્રે મહત્વનું છે કે પાંચ લાખથી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી આરોપીઓ દ્વારા આચરવામાં આવી છે. જે ઈસમોનો સુરતના લોકો પણ ભોગ બન્યા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે.
એકના ડબલનો માસ્ટર પ્લાન
કેવી રીતે આચરતા છેતરપિંડી ?
સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરાવી નાણાં જમા કરાવવામાં આવતા હતા. જ્યાં બોગસ કંપની સુરત ખાતે ઉભી કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. જે બાદ ROZOR PAYમાં પેમેન્ટ એગ્રીગેટર તરીકે રજીસ્ટર કરી એકાઉન્ટ બનાવવામાં આવતું હતું. જે એકાઉન્ટમાં ગેમિંગ,ઇકોમર્સ,અને સોસીયલ પ્લેટફોર્મ્સનું પેમેન્ટ કરવામાં આવતું હતું.ગૂગલ પ્લે સ્ટોરની પાવર બેંક એપ્લિકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ પર દૈનિક ધોરણે મુદ્દલ પર વ્યાજ આપવાના બહાને રોકાણકારોને રોકાણ કરાવી કસ્ટમર પાસેથી રૂપિયા ભરાવવામાં આવ્યા હતા.
જેમાં પાંચ લાખ કસ્ટમરો સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયુ હતું. જેમાં સુરતના ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની હકીકત સામે આવતા તપાસ દરમ્યાન મગદલ્લા ખાતે ચા નાસ્તાની દુકાન ધરાવતા વિજય છગન ભાઈ વણઝારા અને એજન્ટ જય અશોકભાઈ પારેખની ધરપકડ અડાજણ ખાતેથી સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી.
જોકે આરોપીઓ વિરુદ્ધ બેંગ્લોર સીટી પોલીસ મથકમાં ગુના નોંધાયા હોય બંને આરોપીઓને બેંગ્લોર સીટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. દિલ્હી સાયબર સેલ ખાતે પણ આ બાબતે આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ થયા છે.જેમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.