મધ્યપ્રદેશમાં ગત વર્ષે માર્ચમાં કમલનાથ સરકારના સત્તાપલટામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જ ટૂંક સમયમાં મોટી ભેટ મળી શકે છે. તેઓને મોદી સરકારમાં મંત્રી પદ મળવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
મોદી સરકાર 2.0ના 2 વર્ષ પૂરાં થયા છે, ત્યારે વડાપ્રધાન મોદી પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. PM મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. જે બાદ સિંધિયા સમર્થકોનો દાવો છે કે તેમના નેતાને ટૂંક સમયમાં જ મોદી ટીમમાં જગ્યા મળી જશે.
સિંધિયા સમર્થકના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે સિંધિયાને રેલવેની કમાન મળી શકે છે. જો કે તેમને શહેરી વિકાસ કે માનવ સંસાધન જેવા મહત્વના મંત્રાલય આપવાની ચર્ચા પણ કરી છે. તેઓ ભાજપમાં સામેલ થયા તેને 15 મહિના પસાર થઈ ગયા છે. હવે ભાજપ તેમને કરેલો વાયદો પૂરો કરવા જઈ રહ્યું છે. જેની ચર્ચા દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ સુધી છે.
મનમોહન સરકારમાં બની હતી એક્ટિવ મંત્રીની છબી
જાણકારોનું માનવું છે કે મોદી જ્યોતિરાદિત્યને કેબિનેટ મંત્રી બનાવશે. જેનું કારણ છે કે મનમોહન સરકારમાં પણ તેઓએ પોતાના કામને લઈને એક્ટિવ મંત્રી તરીકે છબી બનાવી હતી. આ વખતે તેઓ ટીમ મોદીમાં સામેલ થશે તો ફરી તેઓ પોતાનું કામ દેખાડી શકશે.
ભાજપનું ફોકસ નવી લીડરશિપ પર
સૂત્રોનું માનવામાં આવે તો ભાજપનું ફોકસ હવે પાર્ટીમાં યુથ લીડરશિપને ડેવલપ કરવા પર છે. જેને ધ્યાનમાં રાખીને મોદી મંત્રીમંડળમાં મધ્યપ્રદેશના કોટાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, ઓરિસ્સાના બૈજયંત પાંડા, મહારાષ્ટ્રથી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક યુવા ચહેરાઓને તક મળી શકે છે.
પહેલી ટર્મમાં 6 મહિનામાં જ કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું હતું
પહેલાં કાર્યકાળમાં વડાપ્રધાન મોદીએ 6 મહિનામાં જ કેબિનેટનું વિસ્તરણ કરી દીધું હતું અને મંત્રીઓની સંખ્યા 45થી વધારીને 66 કરી દીધી હતી. જે બાદ સરકારના 2 વર્ષ પૂર્ણ થયા તેના થોડાં જ મહિના પછી, જુલાઈ 2016માં મોદીએ ફરી કેબિનેટમાં ફેરફાર કરી મંત્રીઓની સંખ્યા વધારીને 78 કરી હતી. જેના એક વર્ષ પછી તેઓએ મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા
બીજી ટર્મમાં 57 મંત્રીઓની સાથે શપથ લીધા હતા
મોદીએ પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરતા સમયે 30 મે 2019નાં રોજ 57 મંત્રીઓની સાથે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. જો કે વર્તમાનમાં તેમની ટીમ 53 મંત્રીઓની જ છે. બે મંત્રી રામવિલાસ પાસવાન અને સુરેશ અંગાડીનું નિધન થઈ ગયું છે, જ્યારે બે કેબિનેટ મંત્રી હરસિમરત કૌર બાદલ અને અરવિંદ સાવંતે રાજીનામા આપ્યા છે.
4 મંત્રીઓની પાસે વધુ પડતી જવાબદારી
- રેલવે મંત્રી પીયૂષ ગોયલની પાસે વાણિજ્ય, રેલ મંત્રાલય ઉપરાંત ઉપભોક્તા મંત્રાલયની પણ જવાબદારી છે.
- સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયની વધારાની જવાબદારી છે.
- કૃષિ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની પાસે ખાદ્યનો વધારાનો ભાર છે.
- આયુષ મંત્રાલયનો વધારાનો પ્રભાર ખેલ તેમજ યુવા મામલાઓના મંત્રી કિરન રિજિજૂ સંભાળી રહ્યાં છે.