મધ્ય પ્રદેશ : CM પર સવાલ ઉઠાવનારા IAS અધિકારીની ચેટ લીક થતાં હડકંપ

મધ્ય પ્રદેશના બડવાનીમાં એડિશનલ કલેક્ટરના પદેથી ટ્રાન્સફર પામીને રાજ્ય શિક્ષા કેન્દ્ર મોકલવામાં આવેલા આઈએએસ લોકેશ કુમાર જાંગિડની ચેટ લીક થવાથી ભારે હડકંપ મચ્યો છે. આઈએએસ લોકેશના આ કૃત્ય બાદ સરકારે તેમને નોટિસ પણ મોકલી દીધી છે.

હકીકતે 2014ની બેચના આઈએએસ લોકેશ કુમાર જાંગિડની 4.5 વર્ષની નોકરીમાં 8 વખત ટ્રાન્સફર થઈ ચુકી છે. તાજેતરમાં તેમને બડવાની એડિશનલ કલેક્ટરના પદેથી રાજ્ય શિક્ષા કેન્દ્રમાં પદસ્થ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, બડવાનીના એડિશનલ કલેક્ટર બને તેમને લાંબો સમય પણ નથી થયો. અહીં સુધી તો બધું સામાન્ય હતું પરંતુ હવે આઈએએસ અધિકારીઓના એક ગ્રુપમાં જાંગિડે બડવાનીના કલેક્ટર અને મધ્ય પ્રદેશમાં ઓફિસર્સના કામકાજને લઈને જે વાતો લખી છે તેનાથી રાજકારણ ગરમાયું છે.

આ ચેટમાં લોકેશ કુમાર જાંગિડે બડવાનીના કલેક્ટર શિવરાજ વર્મા અંગે લખ્યું હતું કે, ‘કલેક્ટર શિવરાજ વર્મા પૈસા નહોતા ખાઈ શકતા, આ કારણે જ શિવરાજ સિંહ ચૌહાણ (હોનરેબલ સીએમ)ના કાન ભર્યા. બંને એક સમુદાયના જ છે, કિરાર સમુદાયના, જેના સેક્રેટરી કલેક્ટરના પત્ની છે અને મુખ્યમંત્રીના પત્ની કિરાર સમાજના પ્રેસિડેન્ટ છે.’

લોકેશ કુમાર જાંગિડે ચેટમાં લખ્યું હતું કે, ‘રિટાયરમેન્ટ બાદ તેઓ એક પુસ્તક લખશે અને તેમાં બધા જ તથ્યો લખશે કારણ કે હાલ તેમના હાથ બંધાયેલા છે. હું કોઈથી નથી ડરતો માટે બધું ખુલ્લેઆમ બોલી રહ્યો છું.’

આ ચેટિંગ જાંગિડની ટ્રાન્સફર બાદ થયેલી છે. જોકે 11 જૂનના રોજ લોકેશ જાંગિડે DOPTને પત્ર લખીને ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં 3 વર્ષ માટે ઈન્ટર કૈડર ડેપુટેશન પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સરકારે મોકલી નોટિસઃ મંત્રી સારંગ

આઈએએસ લોકેશ કુમાર જાંગિડના આ કૃત્યને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે. મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યું કે, ‘આઈએએસ ઓફિસર કોઈ પણ પદ પર બેઠા હોય, તેમને ઈનડિસિપ્લીનનો અધિકાર નથી. પોતાના સીનિયર અધિકારી અંગે આ પ્રકારની ટિપ્પણી કરવી અને તે પણ ગ્રુપમાં સાર્વજનિક રીતે તે એક ગુનો છે અને તેને સહન નહીં કરવામાં આવે. શાસને અધિકારીને નોટિસ પાઠવી છે જેમાં તેમણે પોતાની તમામ વાતો સ્પષ્ટ કરવી પડશે. બધા જાણે છે કે ટ્રાન્સફર એક રૂટિન પ્રક્રિયા છે જેમાંથી તમામ ઓફિસરે પસાર થવું જ પડે છે. ટ્રાન્સફરને પૂર્વાગ્રહથી ગ્રસિત થઈને ન જોવી જોઈએ.’

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

બીજી બાજુ કોંગ્રેસે લોકેશ કુમાર જાંગિડની વારંવાર બદલી સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘પ્રદેશના આઈએએસ લોકેશ જાંગિડની બડવાની ખાતે કોરોનામાં ઉપયોગી ઉપકરણોની ખરીદીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલવાના કારણે બદલી થયાની ઘટના સામે આવી છે. તેમની વાયરલ ચેટમાં જે રીતે કિરાર મહાસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારૂ છે. એક ઈમાનદાર ઓફિસરે પ્રદેશ છોડવાનું નક્કી કરી લીધું છે. મુખ્યમંત્રી અને અન્ય જવાબદાર લોકોએ સામે આવીને તેમની બદલીનું કારણ અને આ વાયરલ ચેટ અંગેની સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. પ્રદેશમાં આ કોરોના મહામારી દરમિયાન પણ પદોની બોલી, ભ્રષ્ટાચારની રમત, સંરક્ષણ અને બદલી ઉદ્યોગ ચાલુ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *