ગુજરાતના બેરોજગાર યુવાનોનો સવાલ : સરકાર ખાલી પડેલી નોકરીઓમાં ભરતી કેમ નથી કરતી?

ગુજરાત સરકારમાં હાલ વિવિધ વિભાગોના જુદા-જુદા સંવર્ગોમાં 51 હજાર કરતાં વધુ જગ્યાઓ છેલ્લાં પાંચ વર્ષથી ખાલી છે. ભરતીની સામે બમણાં કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેથી સતત જગ્યાઓ ખાલી રહે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરી હતી કે આવતા પાંચ વર્ષમાં સરકાર 2 લાખ યુવાનોને નોકરીઓ આપશે, પરંતુ વિવિધ કારણો આગળ ધરીને સરકાર ભરતીની પ્રક્રિયા લંબાવ્યે રાખે છે. બીજી તરફ ભાજપ સંગઠન ખાલી જગ્યાઓ ભરવામાં તેજ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે જરૂર પડ્યે ભરતી કરીએ જ છીએ. સરકારને જોઇતી સંખ્યામાં ઉમેદવારો મળતાં નથી તેથી ભરતી થતી નથી. પરંતુ ઉમેદવારો મળે તેમ ભરતી કરીશું. તેમણે દાવો કર્યો હતો કે , 2001-20 દરમિયાન ભાજપ શાસન દરમિયાન 2,73,591 કર્મચારીઓની 20 વર્ષમાં ભરતી કરાઈ છે. અમને એમ લાગ્યું કે ટેક્નોલોજી છે તો ઓછા માણસની જરૂર હોય તો એટલા કર્મચારીઓથી કામ ચલાવીએ છીએ અને એ રકમ પ્રજા માટે વપરાય.

ભરતીઓ વખતે લાખ્ખોની સંખ્યામાં લોકો અરજીઓ કરે છે, પણ છેલ્લાં બે વર્ષમાં માત્ર 1777 યુવાનોને જ સરકારી નોકરી મળી છે. ગત સપ્ટેમ્બર માસમાં ભરતીની અટકી પડેલી પ્રક્રિયાઓ પર યુવાનોએ સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો ત્યારે સરકારે કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં સરકારે સવા લાખ યુવાનોને નોકરી આપી છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થાય તો ફેબ્રુઆરી માસ સુધીમાં વીસ હજાર યુવાનોને નોકરી અપાશે તેવું પણ કહેવાયું હતું. ઘણી બધી ભરતીઓમાં પરિણામ બાદ પણ ભરતીઓ બાકી છે, ઘણામાં પરિણામ જાહેર કરવાના બાકી છે, ઘણામાં ફોર્મ ભરાયા બાદ પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તારીખો જાહેર કરવાનું બાકી છે. આ સિવાય પણ ઘણી બધી કચેરીઓમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે. ઘણા વિભાગોએ સરકારીમાં આ અંગે રજૂઆતો કરી હોવા છતાં પણ કોઇ પગલાં લેવાતા નથી.

મહત્ત્વની જગ્યાઓ પર ક્યાં કેટલી ઘટ?

સંવર્ગ ખાલી જગ્યાઓ
ઉચ્ચ અધિકારી 30%
સચિવાલય વર્ગ-1 93
સચિવાલય વર્ગ-2 428
વર્ગ-1 450
વર્ગ-2 1500
વર્ગ-3 3,500
સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો 598
આરોગ્ય કેન્દ્રો 12000
મેડિકલ પ્રાધ્યાપકો, અન્ય કેડર 1109
નર્સિંગ,ટેકનિશિયન,વોર્ડ સહાયક 7000
અમદાવાદ સિવિલ હોસ્પિટલ 800
કોલેજોમાં પ્રોફેસરો 7500
સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ શિક્ષકો 4000
પોલીસ વિભાગ 10000
પંચાયત, ગ્રામ વિકાસ 4000
કૃષિ વિભાગ 180
ભૂસ્તર વિજ્ઞાન, ખનિજ 490

સરકાર કરતાં ભાજપ સંગઠન નિમણૂકો આપવામાં તેજ

ગયા વર્ષે 20મી જુલાઇએ સી.આર. પાટીલ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા તે પછી તેમણે 9 નવેમ્બરે વિવિધ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકો કરી હતી. 7 જાન્યુઆરીએ પાટીલે પ્રદેશ સંગઠનના 5 મહામંત્રી, 7 ઉપાધ્યક્ષ, 8 મંત્રીઓ સહિતની નિમણૂંક કરી. 12 જાન્યુઆરીએ અન્ય 9 પ્રદેશ કક્ષાના હોદ્દેદારોની નિમણૂંક કરી. 21 જાન્યુ.એ પાર્લામેન્ટ્રી બોર્ડની રચના કરી અને 3 એપ્રિલે 283 સભ્યોની કારોબારી સમિતિની રચના કરી.

2017 ચૂંટણી બાદ 3.5 વર્ષમાં પાંચ પેટાચૂંટણી

ડિસેમ્બર-2018 જસદણ
એપ્રિલ 2019 માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઊંઝા,
ઓક્ટોબર 2019 રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા, અમરાઇવાડી
નવેમ્બર 2020 અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, સાવલી, કપરાડા, ડાંગ
એપ્રિલ 2021 મોરવાહડફ

45% જગ્યા આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટથી ભરી
સરકારે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટની સિસ્ટમથી જ 45 ટકા જગ્યાઓ એટલે કે 1,64,505 જગ્યાઓ પર ભરતી કરી છે. GPSCના અહેવાલ મુજબ 2015-16થી 2019-20ના પાંચ વર્ષના ગળામાં સરકારે માત્ર 14,043 લોકોની ભરતી કરી છે. આયોગે કરેલી ભલામણને આધારે નોકરી માટે અરજી કરી પણ ઘણાં ઉત્તીર્ણ ઉમેદવારોને સરકારે નિમણૂકો આપી નથી. ત્રણ વર્ષમાં 417 જગ્યા માટે કરેલી ભલામણ મુજબ ભરતી કરવામાં આવી નથી.

ખર્ચ બચાવવા ભરતીઓ અટકી
એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ વસતીની દ્રષ્ટિએ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓનું મહેકમ નવથી દસ લાખ જેટલું હોવું જોઇએ, પરંતુ તેને સ્થાને તે હાલ 5.10 લાખની આસપાસ છે. એટલે કે જરૂરી કર્મચારીઓ કરતાં હાલ અડધાં જ ભરાયેલાં છે. પરંતુ તેમાં સરકારને નાણાંકીય મર્યાદા નડે છે. તમામ કર્મચારીઓની ભરતી કરી દેવાય તો તેમને ચૂકવવાના પગારને કારણે સરકારના મૂડી ખર્ચ કરતા મહેસૂલી ખર્ચ વધી જાય અને તેથી વિકાસખર્ચ પર કાપ મૂકવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *