ઉત્તરાખંડમાં રાજકીય સંકટ ઘેરાયું છે. ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત ને હટાવીને તીરથ સિંહ રાવત ને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. મુખ્યપ્રધાન બન્યા બાદ તીરથ સિંહ રાવત પોતાના વિવિધ નિવેદનોથી સમચારોમાં છવાયેલા રહ્યા હતા. જો કે હવે મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે ઉત્તરાખંડનું મુખ્યપ્રધાનપદ ગુમાવવું પડી શકે છે.
ધારાસભ્ય નથી તીરથસિંહ રાવત
ઉત્તરાખંડમાં બંધારણીય સંકટ વધુ ગાઢ થતું હોય તેવું લાગે છે. ભાજપ (BJP) હાઈકમાન્ડે રાજ્યમાં ફરી એકવાર નેતૃત્વ બદલવું પડશે. રાજ્યના વર્તમાન મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત ધારાસભ્ય નથી. મુખ્યપ્રધાનપદ પર રહેવા માટે તેમણે છ મહિનાની અંદર ઉત્તરાખંડ વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય બનવું પડશે. 9 સપ્ટેમ્બરના રોજ તીરથસિંહ રાવત મુખ્યમંત્રી તરીકે છ મહિના પૂર્ણ કરશે.
શું કહે છે કાયદો ?
ઉત્તરાખંડ માં કોંગ્રેસના નેતા અને પૂર્વપ્રધાન નવપ્રભાતે કહ્યું છે કે, જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 151 એ હેઠળ સામાન્ય ચૂંટણી માટે ફક્ત એક વર્ષ બાકી હોય ત્યારે પરિસ્થિતિમાં પેટા-ચૂંટણીઓ યોજી શકાતી નથી.
કોંગ્રેસ નેતા નવપ્રભાતે કહ્યું કે હાલમાં બે ધારાસભ્યોના નિધન બાદ ગંગોત્રી અને હળદવાની વિધાનસભા બેઠકો ખાલી છે. વર્તમાન વિધાનસભાની મુદત માર્ચ 2022 માં સમાપ્ત થવી જોઈએ. આનો અર્થ એ કે વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થવા માટે ફક્ત 9 મહિના બાકી છે. આ રીતે વર્તમાન મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત 9 સપ્ટેમ્બર 2021 પછી તેમના પદ પર ચાલુ રહે તે શક્ય નથી. નવપ્રભાતે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં ઉત્તરાખંડમાં નેતૃત્વ ફરી એકવાર બદલવું પડશે.
માર્ચ 2021માં બન્યા હતા મુખ્યપ્રધાન
ગઢવાલના ભાજપના સાંસદ તિરથસિંહ રાવત એ માર્ચ 2021 માં ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ ઉત્તરાખંડ ના મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા. રાજ્ય ભાજપ સંગઠનમાં તેમના વિરુદ્ધના અસંતોષને કારણે ત્રિવેન્દ્ર રાવતને આ પદ છોડવું પડ્યું હતું. રાજ્યમાં આગામી વિધાનસભાચૂંટણી 2022 માં સૂચવવામાં આવી છે. ઉત્તરાખંડમાં 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 70 માંથી 57 બેઠકો જીતીને સત્તા હાંસલ કરી હતી. કોંગ્રેસ માત્ર 11 બેઠકો જીતી શકી હતી.