કોર્પોરેશન કૌભાંડ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં નિયમો નેવે મૂકી સિંગલ ટેન્ડરો મૂકાય છે

અમદાવાદ શહેરમાં રોડ, બિલ્ડીંગના કામ માટે અનેક કોન્ટ્રાક્ટર છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસકો અને અધિકારીઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામ આપવામાં વધુ રસ ધરાવે છે. જેના માટે નિયમોને નેવે મૂકી અધિકારીઓ અને કમિટિના ચેરમેન ટેન્ડર મંજુર પણ કરી દે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બનેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં હવે માનીતા કોન્ટ્રકટરોને કામ આપવા માટે સિંગલ ટેન્ડરોની દરખાસ્ત મુકવામાં આવી રહી છે. વધુ ભાવ આપી અને તે ટેન્ડરોની દરખાસ્ત મુકાય છે જેથી સ્પષ્ટ છે કે માનીતા લોકોને જ કોર્પોરેશનને સાચવવામાં આવે છે. નિયમ મુજબ સિંગલ ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવાનું હોય છે પરંતુ કોર્પોરેશનના ઈજનેર ખાતાએ નિયમો નેવે મૂકી બે સિંગલ ટેન્ડરની દરખાસ્ત કરી છે. જેથી અધિકારી અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોવાનું બહાર આવી રહ્યું છે.

રૂ.4.99 કરોડનું શ્રીજી કન્સ્ટ્રક્શનનું સિંગલ ટેન્ડર મુકાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ બન્યા બાદ હવે નિયમોને નેવે મૂકી અને ટેન્ડરો પોતાના જ માનીતા કોન્ટ્રકટરોને આપવા માટેની શરૂઆત કરી છે. આજે મળનારી કમિટીમાં બહેરામપુરા વોર્ડમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ તોડી અને ત્યાં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં માટેમાં ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં કન્સલ્ટન્ટ ઈવેલ્યુશન રિપોર્ટમાં એક માત્ર શ્રીજી કોર્પોરેશન નામના કોન્ટ્રાકટરને ક્વોલિફાઇડ ગણાવી અને સિંગલ ટેન્ડર મુકવામાં આવ્યું છે. રૂ.4.99 કરોડનું શ્રીજી કન્સ્ટ્રક્શનનું સિંગલ ટેન્ડર મુકાયું છે.

શુ હવે ખાતાના અધિકારીઓને NCC ઇન્ફ્રાસ્પેશ પ્રા.લિ.ને મળે તેમ રસ છે?
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતા અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોય છે જેમાં એક માત્ર કોન્ટ્રાકટર કંપનીને કામ આપવા માટે કમિટીમાં ભલામણો મુકાય છે. આજે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ઉત્તર ઝોનમાં આવતા સૈજપુર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓને રિસરફેસ અને પેચવર્ક માટે અંદાજીત ભાવથી 22.90 ટકા વધુ ભાવનું કુલ રૂ.12.29 કરોડનું એકમાત્ર સિંગલ ટેન્ડર NCC ઇન્ફ્રાસ્પેશ પ્રાઇવેટ લિમિટેડનું ખાતાકીય ભલામણથી મુકવામાં આવ્યું છે. ઈજનેર ખાતાની ભલામણથી વધુ ભાવ આપી રૂ. 12 કરોડનું આ સિંગલ ટેન્ડર મુકવામાં આવતા સવાલ ઉભા થયા છે. શુ હવે ખાતાના અધિકારીઓને આ કામ NCC ઇન્ફ્રાસ્પેશ પ્રાઇવેટ લિમિટેડને મળે તેમ રસ છે ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *