શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે છેલ્લાં ૧૦ દિવસમાં બીજી વખત બેઠક થતાં ૨૦૨૪ની ચૂંટણીને લઈને અટકળો શરૃ થઈ છે. શરદ પવાર ત્રીજા મોરચાની તૈયારીમાં પડયા હોવાનો દાવો થઈ રહ્યો છે. તેના ભાગરૃપે શરદ પવારના ઘરે ૧૫ વિપક્ષોની બેઠક મંગળવારે મળશે.
એનસીપીના પ્રમુખ શરદ પવારના નિવાસ સ્થાને મંગળવારે ૧૫ વિપક્ષોની બેઠક મળશે. આ બેઠકને રાષ્ટ્રમંચ નામ આપવામાં આવ્યું છે. બેઠક પહેલાં એનસીપીએ રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક થશે. આ બંને બેઠકોના કારણે શરદ પવાર ત્રીજા મોરચાની તૈયારીમાં પડયા હોવાની અટકળો તેજ બની છે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને એનસીપીના પ્રમુખ શરદ પવાર વચ્ચે છેલ્લાં ૧૦ દિવસમાં બીજી વખત બેઠક થઈ હતી. પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે ત્રણ કલાક લાંબી બેઠક ચાલી હતી. એ પછી વિપક્ષોની બેઠક બોલાવવાનું નક્કી થયું હતું.
પ્રશાંત કિશોરની હાજરીમાં જ શરદ પવારના નિવાસ સ્થાને ૧૫ વિપક્ષી નેતાઓની બેઠક થશે. આ બેઠકમાં પ્રશાંત કિશોરે ઘડી કાઢેલી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અંગેની રણનીતિની ચર્ચા થવાની હોવાના અહેવાલો રજૂ થયા હતા.
એનસીપીના વડા શરદ પવારના નિવાસ સ્થાને મળનારી બેઠકમાં ૧૫ વિપક્ષોની હાજરી હશે એમ કહેવાય છે. જોકે, એમાંથી સાતેક પક્ષોએ બેઠકમાં હાજર રહેવાની વાત સ્વીકારી છે. બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ યશવંત સિન્હા, આરજેડીના મનોજ ઝા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ જેવા નેતાઓ હાજર રહેશે. પ્રશાંત કિશોરની વ્યૂહરચનાની ચર્ચા કરવા માટે આ બેઠક શરદ પવાર અને યશવંત સિન્હાએ બોલાવી હોવાનું પણ કહેવાય છે. કોંગ્રેસના પ્રતિનિધિ વિવેક તન્ખા બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે, પરંતુ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ બેઠક આગામી લોકસભાની ચૂંટણી માટે હોવાનું કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ૨૦૨૪માં વિપક્ષ વતી મજબૂત ઉમેદવાર મૂકવાની રણનીતિ આ બેઠકમાં ઘડાય તેવી પૂરી શક્યતા છે. શરદ પવારના નિવાસ સ્થાને મળનારી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંનેની નજર રહેશે એ નક્કી છે.