બેરોજગાર યુવકે રોજગારીના નામે અનેક યુવકો પાસેથી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો. સુરતના એક કપલે ઘરે ડેટા એન્ટ્રી કરવાના બહાને અનેક લોકોને ચુનો લગાવતા સાયબર ક્રાઈમે કપલ સહિત 6 લોકોની ધરપકડ કરી.
ફોટોમા જોવા મળતો આ યુવક પોતે બેરોજગાર છે અને રોજગારી આપવાના નામે અનેક લોકોને ચુનો લગાવ્યો છે.. વાત કંઈક એવી છે કે કોરોનાના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે બેકાર બનેલા સુરતના એન્જિનિયર યુવાન હાર્દિક વડાલીયાએ રૂપિયા કમાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો.
કેવી રીતે આરોપી કરતા છેતરપિંડી ?
આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબ સાઈટ પરથી નોકરીવાચ્છુક યુવક યુવતીઓના નંબર મેળવતો અને ત્યાર બાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતો હતો. જોકે પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગરૂપે હાથથી લખેલ પેજ મોકલી આપતો. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો. જોકે આ સોફ્ટવેર માટે તે સામેવાળા વ્યક્તિ પાસેથી માત્ર રૂપિયા 999 મેળવતો અને ત્યાર બાદ છેતરપિંડી કરતો હતો.
આરોપી હાર્દિકએ તેના આ આઈડિયામાં તેની મંગેતર રૂચિતા નારોલાને સામેલ કરી છે.. રૂચિતા એલએલબીનો અભ્યાસ કરી રહી છે. આ યુગલે પોતાનું ઘર વસાવા અનેક લોકો સાથે છેતરપિંડી કરી. જેની માટે તેમણે પોતાની એક કંપની શરૂ કરી. જયારે ચાર યુવતીઓને રૂ 8 હજારના પગારે નોકરી પર રાખી હતી. જે યુવતીઓ નોકરીવાચ્છુક લોકોને ફોન કરીને નોકરી માટે રજીસ્ટ્રેશના નામે પૈસા પડાવતા હતા. છેલ્લા એક વર્ષથી હાર્દિકે આ પ્રકારે ઠગાઈનો ધંધો શરૂ કર્યો હતો.
સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી અમિત વસાવા કહેવું છે કે આરોપીએ અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1700 લોકોને ભોગ બનાવીને રૂપિયા 17 લાખ પડાવ્યા છે. આરોપીને જેલના સળિયા પાછળ ના જવું પડે તે માટે તે લોકો પાસેથી માત્ર 999 રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરતો હતો. જેથી કરીને આટલી નાની રકમ માટે કોઈ પોલીસ ફરિયાદ કરે નહિ.
જ્યારે લોકો પાસેથી પૈસા મેળવવા માટે તેણે પરિવારના અલગ અલગ સભ્યોના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જોકે અમદાવાદ સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા સાયબર ક્રાઇમએ આ કપલ સહિત 6 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.