દેશમાં વસતી વધારાને કાબુમાં કરવા કાયદાની માગણી કરાઇ રહી છે. એવામાં મિઝોરમના એક મંત્રીએ વસતી વધારો કરવાની તરફેણ કરી છે. એટલુ જ નહીં તેમણે તો જાહેરાત કરી દીધી છે કે વધુ બાળકો પેદા કરનારાઓને એક લાખ રૃપિયા આપવામાં આવશે.
મિઝોરમના રમતગતમ અને યુવા મામલોના પર્યટન મંત્રી રોબર્ટ સોમાવિયાએ ઓછી વસતી ધરાવતા મિઝો સમુદાયના લોકોને કહ્યું છે કે તેઓ પોતાની વસતી વધારે, સાથે જ પોતાના મત વિસ્તારમાં જે પણ માતા પિતાને સૌથી વધુ બાળકો હશે તેમને એક એક લાખ રૃપિયાનું ઇનામ આપવામાં આવશે તેમ પણ તેઓએ કહ્યું હતું.
૫૪ વર્ષીય રોબર્ટ પોતે ત્રણ પુત્રીઓ અને એક પુત્રના પિતા છે. તેઓએ એક લાખ રૃપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. જોકે મહત્તમ કેટલા બાળકો હોય તેમને આ ઇનામ અપાશે તે અંગે કોઇ સ્પષ્ટતા તેમણે નહોતી કરી. આ ઇનામની રકમ એનઇસીએસ (નોર્થ ઇસ્ટ કંસલ્ટેંસી સર્વિસિઝ) દ્વારા આપવામાં આવશે. મિઝોરમમાં જનસંખ્યા ઘનત્વ પ્રતિ વર્ગ કિમી માત્ર ૫૨ વ્યક્તિ છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ આંકડો ૩૮૨ વ્યક્તિ પ્રતિ વર્ગ કિમી છે. આ મંત્રીએ કહ્યું કે જેમને પણ એક લાખ રૃપિયાના ઇનામ માટે પસંદ કરાશે તેમને પ્રમાણપત્ર અને સાથે એક ટ્રોફી પણ અપાશે.