મુંબઇના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બુધવારે ડ્રગ્સ કેસમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ કરી હતી. એનસીબી(NCB)એ ડ્રગ્સના કેસમાં પ્રોડક્શન વોરંટ પર આ કાર્યવાહી કરી છે.
હાલમાં જ એનસીબીએ એવા બે લોકોને ડ્રગ્સના જથ્થા સાથે પકડ્યા હતા જેમને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઈ લાવતા હતા તે પણ બાઇક દ્વારા. આની સાથે એનસીબીએ 25 કિલો ચરસ પણ પકડયુ હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એનસીબીએ આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે તેને અન્ડરવર્લ્ડના તાર મળી આવ્યા હતા. તેની બાદ આજે એનસીબીએ દાઉદ ઇબ્રાહિમ ના ભાઈ ઇકબાલ કાસકરની અટકાયત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબી કાસકરને મુંબઈ સ્થિત તેની ઓફિસમાં લાવશે.
આ કેસની તપાસ દરમ્યાન એનસીબીને ડ્રગ્સ સપ્લાય કરવા માટે ટેરર ફંડિંગ અને અન્ડરવર્લ્ડ કનેકશન સાથે સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મળી હતી.
તેના આધારે એનસીબીએ મુંબઇમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ ધરપકડ કરાયેલ આરોપીની પૂછપરછ અને ચરસ સપ્લાયનું કનેક્શન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર પાસેથી મળ્યું હતું. જેના આધારે એનસીબીએ થાણે જેલમાં બંધ ઇકબાલ કાસકરના રિમાન્ડ મેળવ્યા છે.