નવી દિલ્હી : આવકવેરા ટિર્બ્યુનલ (આઇટીએટી)એ આદેશ આપ્યો છે કે નોટબંધી વખતે ગૃહિણીઓએ જમા કરાવેલી ૨.૫ લાખ સુધીની રોકડની તપાસ ન થઈ શકે. ગ્વાલિયરની ગૃહિણી ઉમા અગરવાલે ૨૦૧૬-૧૭માં ફાઇલ કરેલા આવકવેરા રિટર્નમાં તેની કુલ આવક ૧,૩૦,૮૧૦ રુપિયા દર્શાવી હતી. તેના પછી તેણે નોટબંધી પછી તેના ખાતામાં ૨,૧૧,૫૦૦ રુપિયાની રકમ જમા કરી હતી. આમ નોટબંધી પછી ગૃહિણીની રોકડ થાપણ ૨.૫ લાખ આઇટી સ્ક્રુટિની હેઠળ ન આવી શકે, એમ આઇટીએટીએ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે આ પ્રકારની થાપણોને કરદાતાની આવકે ન ગણી શકાય. ઉમાએ આઇટીએટીની આગ્રા બેન્ચ સમક્ષ આ અરજી દાખલ કરી હતી. આઇટીએટીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારના કેસોમાં આ ચુકાદો મુખ્ય આધાર તરીકે કામ કરે.
ઉમાએ જણાવ્યું હતું કે તેણે આ રકમ તેની અગાઉની બચત, તેના પતિ અને પુત્ર તથા સગાસંબંધીઓ પાસેથી મળેલી રકમના સ્વરૂપમાં એકત્રિત કરી હતી.
સીઆઇટી (અપીલ્સ)એ તેની સમજૂતીને માન્ય રાખી ન હતી અને આકારણી અધિકારીના ૨,૧૧,૫૦૦ની રકમને અઘોષિત આવક તરીકે ગણવાની વાત માન્ય રાખી હતી.
આના પગલે અરજદારે આઇટીએટીમાં અરજી કરી હતી. બધી હકીકતો અને દલીલોની સુનાવણી કર્યા પછી તેણે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે કરદાતા દ્વારા નોટબંધી પછી જમા કરાવવામાં આવેલી આ રકમને આવક તરીકે ન ગણવામાં આવે.
ગૃહિણી દ્વારા ઘરમાં કરવામાં આવતું પ્રદાન માપી શકાય તેવું હોતું નથી. ૨૦૧૧ના સેન્સસ ભારતમાં લગભગ ૧૫.૯૮ કરોડ મહિલાઓ ગૃહિણીનું કામ કરે છે, જેની તુલનાએ આવા પુરુષોની સંખ્યા ફક્ત ૫૭.૯ લાખ છે. સમગ્ર દેશમાં મહિલાઓ તેમના કુટુંબના બજેટમાંથી બચત કરે છે. આ માટે તે શાકભાજીવાળાથી લઈને, દરજી, કરિયાણાવાળા અને બીજા બધા રિટેલરો સાથે આકરું બાર્ગેઇન કરે છે. તેમને સગાસંબંધીઓ પાસેથી તહેવારો દરમિયાન રોકડ મળે છે અને તેઓએ વર્ષો સુધી આ રકમ પોતાની પાસે રોકડના સ્વરૂપમાં સંઘરી રાખવી પડી છે. નોટબંધીના લીધે તેઓએ હવે તેમની બચત જમા કરાવવાની ફરજ પડી છે.
ભવિષ્યમાં આવા બધા કેસને આધાર તરીકે લેવામાં આવે અને ગૃહિણીઓની ૨.૫ લાખ સુધીની જમા રોકડની તપાસ નહી થાય.