ભાજપને ૨૦૧૯-૨૦માં 276 કરોડનું ઇલેક્ટોરલ ટ્રસ્ટનું દાન મળ્યું

નવી દિલ્હીઃ એડીઆરના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૯-૨૦માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રાસ્ટ દ્વારા ૨૭૬.૪૫ કરોડ રૃપિયાનું ફંડ મળ્યું હતું. જ્યારે આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસને ૫૮ કરોડ રૃપિયા મળ્યા હતા. ટોપ ડોનરોમાં જેએસડબલ્યુ, અપોલો ટાયર્સ, ઇન્ડિયાબુલ્સ, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ડીએલએફ ગુ્રપનો સમાવેશ થાય છે.

જેએસડબલ્યુ સ્ટીલ લિ. દ્વારા સૌથી વધુ ૩૯.૧૦ કરોડ રૃપિયાનું દાન કરવામાં આવ્યું હતું. ભાજપને બધા પક્ષોને મળેલા કુલ ડોનેશનના ૭૬.૧૭ ટકા મળ્યા છે. જેની રકમ ૨૭૬.૪૫ કરોડ રૃપિયા છે. જે કોંગ્રેસને મળેલા ડોનેશન કરતા ચાર ગણા વધુ છે. કોંગ્રેસને ૫૮ કરોડ રૃપિયા મળ્યા હતા જે કુલ ડોનેશનના ૧૫.૯૮ ટકા છે. બધા પક્ષોને સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સ દ્વારા આ ડોનેશન આપવામાં આવ્યું હતું.

અન્ય ૧૨ રાજકીય પક્ષો જેમ કે આમ આદમી પાર્ટી, એસએચએસ, સપા, યુવા જન જાગૃતી પાર્ટી, જનનાયક પાર્ટી, જેડીયુ, જેએમએમ, એલજેપી, આઇએનએલડી, જેકેએનસી, આરએલડી બધા પક્ષોને મળીને કુલ ૨૫ કરોડ રૃપિયાનું જ દાન મળ્યું હતું. જોકે વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ ભાજપને મળેલા ડોનેશનમાં મોટો ઘટાડો થયો છે. ૨૦૧૮-૧૯માં ભાજપને ૪૭૨ કરોડ રૃપિયા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને મળેલા ડોનેશનમાં પણ ઘટાડો થયો છે. કોંગ્રેસને ૨૦૧૮-૧૯માં ૯૯ કરોડ રૃપિયા મળ્યા હતા. જે ઘટીને ૫૮ કરોડે આવી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ આ વર્ષે ડોનેશન મેળવવામાં ટીઆરએસએ પણ પાછળ રાખી દીધી છે. ટીઆરએસને ૧૩૦ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *