કોરોના મહામારીથી બચવા માટે રસીકરણને પ્રોત્સાહન અપાય છે પરંતુ આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ (AstraZeneca-Oxford) એ બનાવેલી કોરોના રસીએ કેટલાક લોકો પર દુષ્પ્રભાવ કર્યો છે. ઓછામાં ઓછા 11 લોકો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરનો ભોગ બન્યા છે. જેમાંથી 7 કેસ તો એકલા કેરળમાં મળ્યા છે. જ્યાં 12 લાખ લોકોને આ રસી મૂકવામાં આવી હતી.
4 કેસ Nottingham માં મળ્યા
સ્ટડી રિપોર્ટમાં જાણવા મળ્યું કે ભારત અને બ્રિટનમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની રસી લગાવનારા કુલ 11 લોકોમાં ગુલિયન બેરી (Guillain-Barre) નામનો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જોવા મળ્યો છે. જેમાંથી 7 કેસ કેરળ અને 4 નોટિંઘમમાં નોંધાયા છે. નોટિંઘમમાં લગભગ 7 લાખ લોકોને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની રસી અપાઈ છે. અત્રે જણાવવાનું કે ભારતમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની રસી કોવિશીલ્ડ નામથી બનાવવામાં આવે છે.
પહેલા ડોઝ બાદ થઈ અસર
ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર ની વાત કરીએ તો ‘ગુલિયન બેરી’ એક દુર્લભ બીમારી છે. જેમાં ઈમ્યુન સિસ્ટમ, નર્વ સિસ્ટમમાં રહેલા હેલ્ધી ટિશ્યૂઝ પર અસર કરે છે. ખાસ કરીને આ સિન્ડ્રોમથી પીડિત લોકોના ચહેરાની નસો નબળી પડી જાય છે. સ્ટડી મુજબ ભારતમાં રસી લીધા બાદ આ બીમારીના સાત કેસ સામે આવી ચૂક્યા છે. આ સાત લોકોએ કોવિશીલ્ડ રસીનો પહેલો ડોઝ લીધો હતો અને તેના 10-22 દિવસની વચ્ચે તેમનામાં ગુલિયન બેરી સિન્ડ્રોમના લક્ષણો જોવા મળ્યા.
બીમારીની ઝડપથી તજજ્ઞો પણ સ્તબ્ધ
એલ્સ ઓફ ન્યૂરોલોજી (Annals of Neurology) નામની પત્રિકામાં પ્રકાશિત અભ્યાસમાં કહેવાયું છે કે રસી લીધા બાદ જે લોકોને ગુલિયન બેરી સિન્ડ્રોમ થયો તેમના ચહેરાના બંને કિનારા નબળા થઈને લટકી ગયા હતા. જ્યારે સામાન્ય રીતે તેના 20 ટકાથી પણ ઓછા કેસમાં આવું જોવા મળતું હોય છે. રિસર્ચર્સ પણ એ વાતથી ચોંકી ગયા છે કે આટલા ઓછા સમયમાં આ બીમારી આ રીતે વધુ ઝડપથી ફેલાઈ ગઈ. જો કે રિસર્ચર્સનું કોરોના રસી સુરક્ષિત છે, પરંતુ આમ છતાં સતર્ક રહેવાની જરૂર છે.
Guillain-Barre ના આ છે લક્ષણો
રિસર્ચર્સનું કહેવું છે કે જો રસી લીધા બાદ સિન્ડ્રોમના કોઈ પણ લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગુલિયન બેરી સિન્ડ્રોમના લક્ષણો શરીરમાં નબળાઈ, ચહેરાની માંસપેશીઓ નબળી પડવી, હાથ પગમાં કંપારી, અને હ્રદયના ધબકારા અનિયમિત રહેવા સામેલ છે. નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતા દેશમાં રસીકરણની ઝડપથી વધારવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.