ગુજરાતની અમદાવાદ પોલીસે અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી છે. પાયલ રોહતગી પર સોશિયલ મીડિયામાં સોસાયટીના ચેરમેન વિરૂદ્ધ અપશબ્દો બોલવાનો આરોપ છે. જોકે પાયલે બાદમાં તે પોસ્ટ ડીલિટ કરી દીધી હતી. આ સાથે જ પાયલ પર વારંવાર સોસાયટીના લોકો સાથે ઝગડો કરવાનો, ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ પણ છે.
અમદાવાદની સેટેલાઈટ પોલીસે પાયલ રોહતગીની ધરપકડ કરી છે. ગત 20 જૂનના રોજ યોજાયેલી સોસાયટી એજીએમની મીટિંગમાં પાયલ સદસ્ય ન હોવા છતાં હાજર રહી હતી, જ્યારે તેને બોલવાની ના પાડવામાં આવી ત્યારે તે અપશબ્દો બોલવા લાગી હતી. આ સાથે જ સોસાયટીમાં બાળકોના રમવાને લઈને પણ તેણે અનેક વખત ઝગડો કર્યો હતો.
અગાઉ પણ થઈ છે ધરપકડ
પાયલ રોહતગીની અગાઉ પણ એક વખત ધરપકડ થયેલી છે. રાજસ્થાનની બૂંદી પોલીસે પાયલની ધરપકડ કરી હતી. તેની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં રાજસ્થાન કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
21 સપ્ટેમ્બર, 2019ના રોજ પાયલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં પૂર્વ સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરૂ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તથા ઈન્દિરા ગાંધીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. સમાજસેવક અને યુથ કોંગ્રેસના નેતા ચર્મેશ શર્માએ પાયલ રોહતગી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વિવાદો સાથે સંબંધ
અભિનેત્રી પાયલ રોહતગી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની ટ્વીટને લઈને ભારે વિવાદમાં રહે છે. આ કારણે તેણે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. સતી પ્રથાની તરફેણ, નોબેલ વડે પુરસ્કૃત મલાલા યુસુફજાઈને અપશબ્દો કહેવા, વીર શિવાજી મહારાજની જાતિ પર સવાલ ઉઠાવવા, કલમ 370ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપવું, ફુડ એપ ઝોમેટોને સેક્યુલર આઉટલેટ કહેવી સહિતના અનેક વિવાદોમાં પાયલનું નામ સંકળાયેલું છે.